જામનગર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગરમાં ગણેશોત્સવ બાદ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન દરમિયાન જીવનું જોખમ વધી રહ્યું છે. તાજેતરમાં નાઘેડી નજીક તળાવમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ડૂબી જવાથી સર્જાયેલી કરૂણાંતિકા બાદ પણ લોકોની બેદરકારી યથાવત છે. વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાં નાગરિકો કૃત્રિમ વિસર્જન કુંડને બદલે જોખમી સ્થળોએ વિસર્જન કરતા જોવા મળી રહ્યા છે.
નાઘેડી ખાતે બનેલી દુર્ઘટના બાદ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડા સહિતના અધિકારીઓએ લોકોને વિસર્જન કુંડમાં જ મૂર્તિ વિસર્જિત કરવા અપીલ કરી હતી. તેમ છતાં, અનેક લોકો આ પ્રતિબંધિત સ્થળોએ વિસર્જન કરી રહ્યા છે. વિજરખી ડેમ જેવા જળાશયોમાં કમર સુધીના પાણીમાં અંદર જઈને મૂર્તિ વિસર્જન કરતા લોકો તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આ દ્રશ્યો દર્શાવે છે કે, તંત્રની અપીલની લોકો પર કોઈ ખાસ અસર થઈ નથી. આ ઉપરાંત, જામનગર નજીક સિક્કા પાસે આવેલી જેટી પર પણ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન થતું જોવા મળ્યું. કેટલાક લોકો તો મૂર્તિઓ સાથે સીધા પાણીમાં છલાંગ લગાવી રહ્યા હતા. આ પ્રકારનું બેદરકારીભર્યું વર્તન અકસ્માતને નોતરી શકે છે, અને અગાઉ બનેલી ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લીધો ન હોય તેવું લાગી રહ્યું છે.
લોકોની બેદરકારી જોતાં, હવે સ્થાનિકો દ્વારા તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શહેર આસપાસના જળાશયો અને જેટી જેવા જોખમી સ્થળો પર પોલીસ અને સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવાની માંગ કરવામાં આવી છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને અને ગણેશોત્સવની પવિત્ર વિધિ સલામતીપૂર્વક સંપન્ન થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt