ગીર સોમનાથ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સોનારીયા ગામથી અનીડા સુધીના રોડના રી-કાર્પેટિંગનું કામ મંજુર થયું હોવા છતાં આ રોડના કામ માટેનો જોબનંબર ફાળવવાનો મુદ્દો પેન્ડિંગ હોવાને કારણે કામ અટવાયું છે.
આ સંદર્ભે પૂર્વ કેબિનેટ મંત્રી અને સોમનાથના પૂર્વ ધારાસભ્ય જશાભાઈ બારડે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. તેમણે માંગણી કરી છે કે સોનારીયા થી અનીડા સુધીના રોડના રી-કાર્પેટિંગ કામ માટે તાત્કાલિક જોબનંબર ફાળવીને કાર્યપ્રવૃત્તિ શરૂ કરાવવામાં આવે.
આ રોડ બનવાથી સોનારીયા, નાવદ્રા, ઇન્ડ્રોય, પાંડવ, ભેટાળી, ખંઢેરી સહિતના ગામોના ગ્રામજનોને સીધો લાભ થશે. લાંબા સમયથી સ્થાનિક લોકો આ રોડના સુધારા માટે રાહ જોઈ રહ્યા છે.
જશાભાઈ બારડે રજૂઆતમાં જણાવ્યું કે, “રોડના કામ માટે જરૂરી જોબનંબર ફાળવતા જ કામગીરી શરૂ થઈ શકશે, જેનાથી આસપાસના ગામોને સુવિધાજનક પરિવહન મળશે.” સ્થાનિક ગ્રામજનોમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે સરકાર તાત્કાલિક અસરથી આ રોડના કામ માટે જોબનંબર ફાળવીને વિકાસકાર્યને વેગ આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ