ગીર સોમનાથ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ આગામી બે દિવસ પછી એટલે કે, ૫ મી સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ‘શિક્ષક દિન’ની ઉજવણી કરવામાં આવશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં પ્રતિવર્ષ આ ઉજવણી કરવામાં આવે છે. શ્રી રાધાકૃષ્ણનની શિક્ષણ પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠાને ધ્યાનમાં રાખીને દેશભરમાં આ ઉજવણી કરવામાં આવે છે.
આ તો વાત થઈ જાહેર જીવનમાં સંકળાયેલા નેતાની પરંતુ ધાર્મિક અને નીતિશાસ્ત્ર સાથે સંકળાયેલા ચાણક્યએ પણ શિક્ષકની સમર્થતાને ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતાં, પ્રલય ઔર નિર્માણ ઉસ કી ગોદ મેં પલતે હૈ.’ કહીને બીરદાવી છે.
આજે આપણે વાત કરવી છે ભારતે અવકાશક્ષેત્રે મેળવેલી સિદ્ધિની અને આ સિદ્ધિ ક્યાં સુધી પહોંચી છે તેની...
વાત છે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ થી ૩૫ કિલોમીટર દૂર આવેલા ભેટાળી ગામની શાળાની, કે જ્યાં શાળાના શિક્ષકોએ રૂ. ૧.૫૦ લાખના પોતાના યોગદાન થકી ચંદ્રયાન-૩ની ૧૫ ફૂટ ઊંચી પ્રતિકૃતિ સ્થાપિત કરીને ભારતીય અવકાશીય સિદ્ધિના ગુણગાન કરવા સાથે શાળાના વિદ્યાર્થીઓમાં પણ અવકાશ પ્રત્યેની જિજ્ઞાસાને જાગૃત કરવાનું કાર્ય કર્યું છે.
આ અંગે ભેટાળી પે-સેન્ટર શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ અનિલભાઈ પંપાણિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અમારી શાળાનું નવું જ મકાન બનાવવામાં આવ્યું હતું ત્યારે વિચાર આવ્યો કે, આ શાળાની આગળ એવું કંઈક મૂકીએ કે, જેથી અત્યારના વિદ્યાર્થીઓ સાથે ભાવી પેઢી પણ તેને યાદ રાખે.
જ્યારે શાળા બનીને તૈયાર થઈ તે વખતે જ ઈસરો દ્વારા ચંદ્રયાન-3 એ ચંદ્રની દક્ષિણ સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. ત્યારે જ વિચાર આવ્યો કે, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ શાળાની શરૂઆતમાં જ મૂકીશું. આ વાત મેં અમારા શિક્ષક સ્ટાફ પરિવારને જણાવી તો, તેઓ પણ મારી વાત સાથે સહમત થયાં અને આ માટે જરૂરી ડિઝાઈન અને ઈન્સ્ટોલેશન માટે રૂ. ૧.૫૦ લાખના યોગદાનને એકઠું કરવામાં આવ્યું.
આ માટે કોઈપણ સરકારી ભંડોળનો ઉપયોગ કર્યા વગર ચંદ્રયાનની ડિઝાઈન મને મારા રાજકોટ રહેતાં મિત્રને મોકલી આપી અને ત્યાં થોડો ભાગ તેમજ બાકીનો ભાગ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો અને તેને ક્રેનની મદદથી શાળામાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યો.
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, આ પ્રતિકૃતિ મૂકવા પાછળનો ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓ ભારતે અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓથી અવગત થાય તે ઉપરાંત શિક્ષક, એન્જિનિયર, ડૉક્ટર સિવાય પણ અસીમિત ક્ષિતિજો છે, તેનાથી જાણકાર બને તે પણ હતો. શાળાના મારા સહકર્મીઓએ પણ પોતાના ખિસ્સામાંથી આ માટે યોગદાન આપીને વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાની લાગણી દર્શાવીને ‘શિક્ષક દિન’ને હકીકતમાં સાકાર કરવાનું કાર્ય કર્યું છે.
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાની ૧૧૨ શાળાના શિક્ષકો પ્રયોગશીલ છે. ભેટાળી શાળાના શિક્ષક અનિલભાઈ પંપાણિયા અને હું પોતે સાયન્સના વિદ્યાર્થી રહ્યાં છીએ, ત્યારે આ વિજ્ઞાનને પ્રેરિત કરે તેવી વાત વિદ્યાર્થીઓ વચ્ચે લઈ જવા માટે અમે સદાય તત્પર હોઈએ છીએ. તેના કારણે જ આજે ભારતની અવકાશ સિદ્ધિને સામાન્ય શાળા સુધી લઈ જવાનું કાર્ય શક્ય બન્યું છે.
એક સામાન્ય શાળાનો શિક્ષક વિદ્યાર્થીને પોતાની શાળામાંથી જ ધરતીથી અવકાશ સુધીની સિદ્ધિઓથી અવગત કરાવી કેવી રીતે પ્રેરિત કરી શકે છે. તેનું આ એક નાનું ઉદાહરણ છે. રાજ્યના અનેક શિક્ષકો વિવિધ રીતે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત હોય છે. આગામી શિક્ષક દિનની ઉજવણી આવા નાના પણ ઉચ્ચ કોટિના પ્રયત્નોથી જ વાસ્તવમાં સાકાર બનતી હોય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ