પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામમાં છેલ્લા 700 વર્ષથી અનોખી ધાર્મિક પરંપરા નિષ્ઠાપૂર્વક જળવાઈ રહી છે. વર્ષના નિર્ધારિત એક દિવસે ગામના કોઈપણ ઘરમાં દૂધ રાખાતું નથી. આ દિવસે તમામ પશુઓનું દૂધ પીર બાપજીને અર્પણ કરવામાં આવે છે. ગામલોકો સમૂહમાં એકત્ર થઈ પવિત્ર ભાવના સાથે આ કાર્યક્રમ ઉજવે છે.
આ પરંપરાની શરૂઆત દેસાઈ વીરશેખા નામના રબારીના બલિદાનથી થયેલી. તેઓ ગાયો ચરાવતા હતા ત્યારે કેટલાક ધર્મીઓ ગાયોના ધણને લઈ જવા આવ્યા હતા. વીરશેખાએ ગાયોને બચાવવા માટે ધાર્મિક આક્રમણકારો સામે વિરોધ કર્યો અને શહીદ થયા હતા. તેમના ત્યાગની યાદમાં રબારી અને ભરવાડ સમાજ વર્ષમાં એક દિવસ પશુઓનું દૂધ ઘરમાં રાખતાં નથી.
આ દિવસે ગામમાંથી આશરે 2000 લીટર દૂધ પીર બાપજીને અર્પણ થાય છે. દૂધ અર્પણ બાદ ગામમાં વિશાળ જમણવારનું આયોજન થાય છે, જેમાં 1000થી વધુ લોકો ભોજન કરે છે. દરેક સમાજના લોકો એક જ સ્થાન પર ભેગા થઈને દૂધપાકનો પ્રસાદ મેળવે છે. આ પરંપરા હવે ગામના એકતા, ભક્તિ અને ભાઈચારાનું પ્રતીક બની ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ