જુનાગઢ 4 સપ્ટેમ્બર (હિ.સ.)
પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોન, ધવલ પંડ્યાના અધ્યક્ષસ્થાને તા.૦૪/૦૯/૨૦૨૫ના રોજ શહેરી વિકાસયાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક જુનાગઢ ખાતે મળી હતી. જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ, ધારાસભ્યઓ અને પ્રાદેશિક કમિશનર કચેરીના અધિકારીઓએ ભાગ લીધો હતો અને વિકાસકામોની ચર્ચા કરી હતી.
ગુજરાત રાજ્યના શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણના અભિગમ સાથે વર્ષ ૨૦૨૫ની શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે. રાજય સરકાર દ્વારા અર્નિંગ વેલ, લિવિંગ વેલ ના મંત્ર સાથે નાના મોટા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકાસવીને ગુજરાત @૨૦૪૭નો રોડમેપ તૈયાર કરાયો છે. સરકાર શહેરી વિકાસ યાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે ત્યારે જૂનાગઢના આંગણે ધારાસભ્યશ્રી - તલાલા, ભગાભાઈ બારડ, ધારાસભ્ય- માણાવદર, અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્યશ્રી-સોમનાથ, વિમલભાઈ ચુડાસમા, ધારાસભ્ય માંગરોળ, ભગવાનજી ભાઈ કરગટિયા, ધારાસભ્ય - કેશોદ, દેવાભાઈ માલમ, ધારાસભ્ય - કોડીનાર, ડો. પ્રદ્યુમનભાઈ વાજા; કેશોદ, બાંટવા, માણાવદર, વિસાવદર, ચોરવાડ, માંગરોળ, વંથલી, વેરાવળ, કોડીનાર, તલાલા, સુત્રાપાડા, ઊના નગરપાલિકાઓના પ્રમુખઓ અને અન્ય પદાધિકારીઓ તેમજ ચીફ ઓફિસર, પાલિકા ઈજનેર, એકાઉન્ટન્ટ, ટાઉન પ્લાનર; રિઝનલ ફાયર ઓફિસર, જીયુડીસી પ્રોજેક્ટ મેનેજર(PIU) વગેરે હાજર રહી વિકાસકામોની અને પ્રશ્નોની ચર્ચા કરી હતી.
પદાધિકારીઓ અને ધારાસભ્યઓ દ્વારા લોક સમસ્યા, બાકી વિસ્તારોમાં રસ્તાઓ બનાવવા બાબત, વંથલી ખાતે જૂની ગટરલાઇન શરૂ કરવા બાબતે અને ગઢની રાંગની દીવાલનું નવીનીકરણ કરવા બાબત, પીવાના પાણી, ગંદકી અને રોગચાળા બાબત, નગરપાલિકાઓમાં કાયમી સ્ટાફ અને ફરિયાદો બાબત, પેન્ડિંગ દરખાસ્તો, જીયુડીસી દ્વારા અમલીકૃત કામોની પ્રગતિ વધારવા બાબત, રોડ રિસરફેસિંગની ગ્રાન્ટ માંથી રસ્તાઓ રિપેર કરવા બાબત, પ્રિ મોન્સુન કામગીરી બાબત, નગરપાલિકા વિસ્તારમાં આંગણવાડી બનાવવા, ટેન્ડર પ્રક્રિયા બાબત, નગરપાલિકાઓમાં વાહનો ફાળવવા બાબત વગેરે પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. જ્યારે બીજા ભાગમાં તમામ ચીફ ઓફિસરઓ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને ૧૫મુ નાણાંપંચની ગ્રાન્ટમાં બાકી આયોજન; શરૂ ન થયેલા કામો અને કામોની પ્રગતિની, ગટરલાઇન ભાગ ૨ નાખવાનું કામ, આગવી ઓળખના કામો, જનભાગીદારી યોજના હેઠળ ઘરોને ગટર લાઇન સાથેના જોડાણના કામો, ઘરે ઘરેથી કચરો ઉઠાવવાના કામની, ગંદા પાણીના શુધ્ધિકરણ કરતા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી અને બાકી ગ્રાન્ટોનું આયોજન કરવા, મંજૂર થયેલા કામો તાત્કાલિક શરૂ કરવા અને પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત પીવાના પાણીની વધારાની જરૂરિયાત અંગેના આયોજન બાબત અને અમૃત 2 યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષા દરમિયાન પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાએ બાગ બગીચાના આયોજન સમયે સિમેન્ટ કોંક્રિટનો ભાગ માત્ર જરૂરિયાત પૂરતો અને વધુ પ્રમાણમાં હરિયાળી રાખવા તેમજ આગવી ઓળખમાં માત્ર બે - ત્રણ કામો સિવાય અન્ય લોકોને ઉપયોગી કામો લેવા ટકોર કરી હતી.
જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની આ સંકલન બેઠકથી નગરપાલિકાઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થશે, શહેરમાં વિકાસના કામો વેગ પકડશે અને લોકોને ઉપયોગી કામો થશે અને લોકોની સમસ્યાઓનુ નિરાકરણ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ