જૂનાગઢ 4 સપ્ટેમ્બર (હિ.સ.) સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ ગણેશોત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક થઈ રહી છે. જૂનાગઢ શહેરના ઝાંસીના રાણી લક્ષ્મીબાઇનાના સર્કલ પાસે બિરાજમાન ગિરનારી ગણેશ પંડાલ નગરજનો માટે આકર્ષણનો કેન્દ્ર બન્યો છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે પરંતુ આ વખતે વિશેષ રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ વખતે પ્રથમ વખત વિવિધ પંડાલમાં સ્વચ્છતા, સામાજિક પ્રવૃત્તિઓ, આત્મનિર્ભર ભારત, ઓપરેશન સિંદૂરની થીમને પણ જોડવામાં આવી રહ્યા છે.
ગિરનારી ગણેશ પંડાલના આયોજક ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. સનાતન પ્રણાલીને પ્રોત્સાહિત આપવાનું આ પગલું રાજ્ય સરકાર દ્વારા જે ભરવામાં આવ્યું છે તેને હું આવકારું છું.તેમણે ઉમેર્યું હતું કે આ વખતે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધામાં ધાર્મિકતાની સાથે સાથે પંડાલોની સ્વચ્છતા, વ્યવસ્થા, પવિત્રતા,સામાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લેવામાં આવી છે. એનજીઓ,સંસ્થાઓ અને અલગ અલગ સમાજને લોકોને સાથે જોડીને ૧૧ ગણપતિજીની સ્થાપના પણ કરવામાં આવી છે.
ગિરનારી ગણેશ પંડાલ અંગે તેમણે જણાવ્યું હતું કે અહીં ઇકો ફ્રેન્ડલી ગણપતિમૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ભારત દેશના સૈનિકોએ જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાતમો કર્યો છે એ વાતને ઉજાગર કરવા અને સૈન્યની શક્તિને સલામ કરવા માટે ઓપરેશન સિંદુરની થીમ પણ જોડવામાં આવી છે.આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સૂત્ર છે કે આત્મનિર્ભર ભારત. એ સ્વદેશીની વાતને પણ જોડવામાં આવી છે. ઉપરાંત સ્વચ્છતાને પણ અહીં પંડાલમાં મહત્વ આપવામાં આવ્યું છે.ખાસ કરીને ગણેશ મહોત્સવ દરમિયાન બહોળી સંખ્યામાં નગરજનો સહભાગી બનતા હોય છે ત્યારે સાત દિવસ સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ૨૧૫ વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું છે.આ ઉપરાંત સવારે મેદસ્વિતા મુક્ત અભિયાનને સફળ બનાવવા માટે સવારે યોગ શિબિરનું આયોજન પણ કરવામાં આવે છે.તેમજ પંડાલમાં ફાયર સેફટી, સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
આમ, ગણેશ મહોત્સવના ધાર્મિક મહત્વની સાથે સાથે શૈાર્યતા, સેવા, સ્વચ્છતાનો અનોખો સમન્વય ગિરનારી ગણેશ પંડાલમા પણ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ