જૂનાગઢ 4 સપ્ટેમ્બર (હિ.સ.)
સમગ્ર રાજ્યમાં અત્યારે એક પેડ માં કે નામ અભિયાન ૨.૦ સત્વરે આગળ ધપી રહ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન અને લોકોના સાથ સહકારથી જ બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ ઝુંબેશ શક્ય બને છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં આવેલ માણાવદર તાલુકામાં સ્થિત ડી.ડી.વડાલીયા સાયન્સ સ્કૂલ ખાતે ૭૬ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુમ્મરના અધ્યક્ષતા અને માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ હરેશભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, માત્ર વન વિસ્તારમાં જ વૃક્ષો વાવવા એટલો જ સીમિત આ કાર્યક્રમનો ઉદેશ્ય નથી. તમારા ઘરના આંગણાથી લઈને આસપાસના વિસ્તારો સુધીમાં હરિત આવરણ જળવાઈ રહે, પર્યાવરણનું જતન થાય, ગ્રીન ગુજરાત- ક્લીન ગુજરાત મુવમેન્ટને પ્રોત્સાહન મળે, પશુ પંખીઓનું જતન થાય, આમ રાજ્ય સરકારના એક પ્રોગ્રામની પાછળ અનેકવિધ કલ્યાણકારી ઉદેશ્યો રહેલા હોય છે. આપણી સંસ્કૃતિ ગાય, પીપળો, તુલસી, વડલાની પૂજનની સંસ્કૃતિ છે. આજે બે વર્ષથી ગિરનાર અને ભવનાથ વિસ્તાર પ્લાસ્ટિક ફ્રી ઝોન બન્યો છે. દરેક નાગરિકે પોતાના આંગણામાં પીવાના પાણીનો બાઉલ રાખવો જોઈએ અને બોરસલ્લીનું વૃક્ષ વાવવું જોઈએ. જેના થકી ચકલી અને અન્ય મૂંગા જીવોની સેવા અને પુણ્ય કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. વનરક્ષકો સાથે નાગરિકોએ મિત્રતાભર્યો વ્યવહાર કેળવવો જોઈએ. તેઓ પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષક છે.
કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય વડે કરાઈ હતી. આમંત્રિતોને તુલસીના રોપા અર્પણ કરીને અને કન્યાઓ દ્વારા સ્વાગત ગીત વડે મીઠો આવકારો આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વિહળે કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ એ.એ.ચાવડાએ કરી હતી.
પ્રાસંગિક રૂપરેખા એસ.એમ.મકરાણીએ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓએ એક પેડ માં કે નામ અભિયાન અન્વયે નૃત્ય કૃતિ રજૂ કરી હતી. સર્વેનું શાબ્દિક સ્વાગત નાયબ વન સંરક્ષક ડો.મોહન રામે કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વ પ્રથમ રાજ્યમાં વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુનશીના નેજા હેઠળ વર્ષ ૨૦૫૦ થી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વન વિભાગના વિવિધ કર્મચારીઓ, એનિમલ ટ્રેકર, સખી મંડળો, નર્સરી વર્કરને સારી કામગીરી બદલ પ્રમાણપત્ર અને સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેમાનોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ લીલી ઝંડી આપીને વૃક્ષ રથ/ ઓક્સિજન રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ લાભાર્થીઓને વૃક્ષના રોપાનું વિતરણ કરશે.
ઉક્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, ધારાસભ્ય દેવાભાઇ માલમ, તાલુકા પંચાયત અને નગર પાલિકાના વિવિધ પદાધિકારીગણ, તાલુકા પંચાયત પ્રમુખ ઝાલાવડીયા, મામલતદાર શુક્લા, તાલુકા વિકાસ અધિકારી નંદાણીયા, સંસ્થાના ચેરમેન સવસાણી, આચાર્ય ચુડાસમા, લાભાર્થીઓ, વન વિભાગના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ, શાળાના કર્મચારીઓ, બાળકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ