જૂનાગઢ 4 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ હાલમાં સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે.
જેના ભાગરૂપે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ દ્વારા આયોજિત ગણેશોત્સવની ભવ્યતા ખૂબ આકર્ષિત રીતે લોકોમાં ઉભરી આવી છે. ખાસ કરીને ગણેશજીના પંડાલમાં જે સુશોભન કરવામાં આવ્યું હતું તે જન સમાજમાં આકર્ષણનું કેન્દ્રબિંદુ બન્યું હતું.
તેમાં મહિલા સશક્તિકરણના ઉદાહરણની સાથે વ્યોમિકા સિંહ અને સોફિયા કુરેશીના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદૂરની સફળતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક કૃષિ અભિયાનને ધ્યાનમાં રાખીને થીમ નક્કી કરવામાં આવી હતી. તેને અનુસરીને નૈસર્ગિક સ્ત્રોતો સાથે ખેડૂતના જીવનની થીમ, આત્મનિર્ભર ખેડૂતનું A1 આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ દર્શાવતી થીમ, ઈસરોની સફળતા દર્શાવતું ગગનચુંબી ચંદ્રયાન મિશનની થીમ, સામાજિક જાગૃતિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન, લાડુ સ્પર્ધા આમ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગણેશજીના પંડાલમાં પર્યાવરણને ધ્યાનમાં રાખતા ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પંડાલ પ્રતિયોગિતાના નિયમોને અનુસરીને યોગ્ય જગ્યાએ વિસર્જન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સુંદર, ભવ્ય અને શાંતિપૂર્વક રીતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
આમ સેવા, શૌર્યતા, સ્વચ્છતા, પવિત્રતા, પર્યાવરણ અને યોગ્ય વ્યવસ્થાપનનો અનોખો સમન્વય વિદ્યાર્થી સંઘના ગણેશોત્સવમાં જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ