સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)- મહિધરપુરા, પીપળા શેરીમાં આવેલ આદીનાથ એક્ષપોર્ટ પેઢીના નામે પોલીશ ડાયમંડનો વેપાર તેમજ આડતનું કામ કરતા વેપારી પાસેથી મુંબઈના વેપારીએ જવેલરી બનાવવા માટે પોલીશ ડાયમંડ હીરાનો માલ ખરીદ્યા બાદ બાકી લેવાના નિકળતા રૂપિયા 3.69 કરોડ નહી ચુકવી છેતરપિંડી કરી હતી. હીરા વેપારીએ ઉઘરાણી કરતા ઠગબાજ વેપારીએ ધંધાના હિસાબ કરવાના બહાને મુંબઈની હોટલમાં મળવા માટે બોલાવ્યા બાદ વેપારી વિરુધ્ધમાં મુંબઈ પોલીસમાં ધાક ધમકી આપી હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી અને વેપારી પાસે 1.30 કરોડ આંગડીયા પેઢી મારફતે ચુકવી આપ્યા હોવાનું ખોટુ લખાણ ઉપર સહીઓ કરાવી લીધી હતી.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ અડાજણ, પ્રાઈમ આર્કેડ પાસે, પ્રયાગરાજ રો હાસ ખાતે રહેતા હિરેનકુમાર મનુભાઈ શાહ (ઉ.વ.46) મહિધરપુરા, પીપળા શેરી, શાશ્વત બિલ્ડિંગમાં આદીનાથ એક્ષપોર્ટ પેઢીના નામથી પોલીસ ડાયમંડનો વેપાર તથા આડતનું કામ કરે છે. 4 એપ્રિલ 2024ના રોજ તેજસ દિનેશભાઈ સરવૈયા (રહે, ઓમ હેમા રેસીડેન્સી, વિજય કોમ્પ્લેક્ષ, નારાયણ સ્કુલ સામે, ભાયંદર વેસ્ટ, થાણે,મુંબઈ)એ હીરા દલાલ પારસ મહેલા મારફતે સંપર્ક કરી ઓફિસમાં મળવા માટે આવી પોતાની ઓળખ મુંબઈમાં ચામુંડા એન્ટરપ્રઈઝ નામથી ડાયમંડ જવેલરી બનાવવાનો ધંધો કરે છે અને મુંબઈ, હૈદરાબાદ, જયપુર જેવા શહેરોમા પ્રતિષ્ઢિ ગ્રાહકોને ઓર્ડર મુજબ જવેલરી બનાવી આપે છે હોવાનુ કહી પોતાની પ્રતિષ્ઠિત વેપારી તરીકે છાપ હોવાનુ જણાવી હિરેનકુમારને તેમની પાસેથી જવેલરીના ધંધામાં તેમની જરૂરીયાત મુજબના હીરા ખરીદી તેનું પેમેન્ટ સમયસર ચુકવી આપવાની વાત કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ તેજસ સરવૈયાએ તેમની પાસેથી 26 જુન 2024 સુધીમાં ટુકડે ટુકડે કરી કુલ 4812.41 કેરેટ પોલીશ્ડ હીરાનો માલ ખરીદ્યો હતો. જેમાંથી આંગ઼ડીયા પેઢી મારફતે રીજેકશના 409.31 કેરેટ હીરા પરત મોકલી આપી 4403.08 કેરેટ પોલીશ્ડ હીરા, જેની કિંમત રૂપિયા 11,05,79,979 ના હીરા જવેલરી બનાવવા માટે ખરીદ્યા હતા. જેમાંથી તેજશ સરવૈયાએ આંગડીયા મારફતે તથા આરટીજીએસ દ્વારા રૂપિયા 7,35,91,000 ચુકવ્યા હતા. જયારે બાકીના લેવાના નિકળતા રૂપિયા 3,69,88,979 ની ઉઘરાણી કરતા તેજશ સરવૈસાએ તેમને ધંધાના હિસાબ કરવાના બહાને મુંબઈની હોટલમાં મળવા માટે બોલાવ્યા બાદ પૈસા આપવા ન પડે તે માટે હિરેનકુમાર સામે નાયબ પોલીસ કમિશનર, સર્કલ-1, મીરા ભાયંદર, વસઈ-વિરાર પોલીસમાં ધાક ધમકી આપી હોવાની ખોટા આક્ષેપો વાળી એન.સી ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદના તપાસના કામે હિરેનકુમાર પાસે 1.30 કરોડ આંગડીયા પેઢી મારફતે મોકલી આપ્યા હોવાની તેની ચામુંડા એન્ટરપ્રાઈઝની બોગસ અને બનાવટી જાંગડ વાળી 14 જેટલી રસીદોમાં ખોટી સહીઓ કરાવી લીધી હતી. બનાવ અંગે હિરેનકુમારની ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે તેજશ સરવૈયા સામે રૂપિયા 3,69,88,979ની છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે