મહેસાણા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): ભાદરવી પુનમ નિમિત્તે રાજ્યભરના લાખો માઇભક્તો પગપાળા અંબાજી માતાના દર્શનાર્થે નીકળ્યા છે. યાત્રાળુઓના આરોગ્ય અને સુખાકારી માટે મહેસાણા જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીનના માર્ગદર્શન હેઠળ મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા વિશાળ મેડિકલ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે.
જિલ્લામાંથી પસાર થતા પદયાત્રીઓને 24 કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ રહે તે માટે તમામ જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ખુલ્લા રાખવામાં આવ્યા છે. સાથે જ યાત્રા માર્ગ પર કુલ 25 મેડિકલ કેમ્પ તથા 14 મોબાઇલ મેડિકલ ટીમોની વ્યવસ્થા કરીને સતત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. તા. 30/08/2025 થી તા. 04/09/2025ના સવાર સુધીમાં કુલ 14,947 યાત્રાળુઓએ આ મેડિકલ કેમ્પની સેવાઓનો લાભ લીધો છે. તેમાંમાંથી 11 દર્દીઓને વધુ સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રો તથા જનરલ હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા હતા.
રાજ્ય કક્ષાના મંત્રી, ધારાસભ્ય, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન તથા અન્ય પદાધિકારીઓએ કેમ્પોની મુલાકાત લઈ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સેવા ભાવનાને બિરદાવતા પ્રશંસા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR