મહેસાણા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા–વિજાપુર–હિંમતનગર રોડ (એસ.એચ.–55) પર હિંમતનગર તાલુકાના દેરોલ ગામ નજીક કિ.મી. 146/700 પર આવેલ સાબરમતી નદી ઉપરનો હયાત મેજર બ્રિજ હાલ જર્જરિત સ્થિતિમાં હોવાથી તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. પરિણામે યાત્રાળુઓ અને સ્થાનિક લોકો બ્રિજ પર ઊભા રહી પુર નિહાળવા તથા ફોટા પાડવાના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે.
આ પરિસ્થિતિને જોતા લોકહિતમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.કે. જેગોડા દ્વારા તમામ પ્રકારના નાના વાહનોને આ બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ મુકાયો છે. સાથે જ વાહનચાલકો માટે વૈકલ્પિક રસ્તાઓનો ડાયવર્ઝન જાહેર કરાયો છે, જેમાં વિજાપુર–લાડોલ–વલાસણા–ઇડર–હિંમતનગર સહિત કુલ ચાર અલગ–અલગ રૂટનો સમાવેશ થાય છે.
જાહેરનામામાં સ્પષ્ટ કરાયું છે કે આ પ્રતિબંધિત હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ–1951ની કલમ–131 તેમજ ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ–223 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ટ્રાફિક ડાયવર્ઝનની સુવિધા તથા જાળવણીની જવાબદારી રાજ્ય માર્ગ યોજના વિભાગના કાર્યપાલક ઈજનેરને સોંપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR