જામનગર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર શહેરમાં તારીખ 5મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ નીકળનાર ઇદ-એ-મિલાદુન્નબી ના જુલુસ તેમજ 6ઠ્ઠી સપ્ટેમ્બર, શનિવારના રોજ ગણપતિ વિસર્જન સંદર્ભે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને મળેલી શાંતિ સમિતિની આ બેઠકમાં જુલુસ કમિટીના સભ્યો, ગણપતિ પંડાલના આયોજકો, શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગણપતિ પંડાલના આયોજકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. જ્યારે સિટી-એ ડિવિઝન પીઆઇ ચાવડા દ્વારા જણાવ્યું હતું કે, તા.05.09.2025, શુક્રવારે સવારે 09:00 વાગ્યેથી ઇદ-એ-મિલાદનું જુલુસ સાયરપીર ચોક, સાઇના વંડાથી જુલુસ શરૂ થઈ રાબેતા મુજબના રૂટ ઉપર ફરી બપોરે દરબારગઢ ચોકમાં ખાતે સંપન્ન થશે. બીજી તરફ તા.6ઠ્ઠી સપ્ટેમ્બર, શનિવારના રોજ ચાંદી બઝારમાં આવેલ ચાંદી બઝાર કા રાજા નું ગણપતિ વિસર્જન થશે. ત્યારે, પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે નહીં તેની તકેદારી રખાશે. તેમજ શાંતિપૂર્ણ બંને ધર્મના તહેવારો ઉજવાય, તે માટે નિયમોના પાલન સાથે શાંતિપૂર્ણ આયોજન કરવા માટે અપીલ કરી હતી.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt