મોડાસા, 4 સપ્ટેમ્બર (હિ.સ.)
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી સવાલો ઊભા થયા છે. અસામાજિક તત્વો જાણે પોલીસનો કોઈ ભય રાખતા ન હોય તેમ કાયદો હાથમાં લઈ ભય ફેલાવતા હોવાના બનાવો છાશવારે સામે આવી રહ્યા છે.રવિવારે મોડાસા શહેરમાં પ્રેમલગ્નગ્રંથી જોડાયેલા એક યુવકને અસામાજિક તત્વોએ જુતાનો હાર પહેરાવી જાહેરમાં માર માર્યો હતો.આ ઘટનાએ જ પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા.તેવી જ એક ગંભીર ઘટના આજે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સામે આવેલા તત્વ આર્કેટ વિસ્તારમાં બની હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ મહેસાણા જિલ્લાના યુવક-યુવતી પ્રેમલગ્નની નોંધણી કરાવવા આવ્યા હતા.
આ દરમ્યાન ઇકો વાન લઈને આવેલા યુવતીના પરિવારજનોએ બંનેનો પીછો કર્યો હતો. બાદમાં યુવકને માર મારી યુવતીને કારમાં બેસાડી ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, જાહેરમાં બનેલી આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.સતત બે દિવસથી જાહેરમાં મારામારી ની ઘટના ઓ નો જે વિડિઓ વાયરલ થયો છે જેને લઇ હવે પોલિસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ