પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.): ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામમાં ઠાકોર વાસ અને અનુસૂચિત જાતિના મહોલ્લામાં ગટરના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં રહેતા 200થી વધુ પરિવારોના મુખ્ય રસ્તા પર ગટરનું દૂષિત પાણી ભરાઈ જતાં લોકોના જનજીવન પર ખલેલ પડી રહ્યો છે. આ રસ્તો બાળકોના શાળાગમન, ખેડૂતોના ખેતીકામ અને મહિલાઓના ઘાસચારા લાવવાનો મુખ્ય માર્ગ છે.
મહોલ્લાવાસીઓનું કહેવું છે કે, તેઓએ આ સમસ્યાના નિવારણ માટે અનેક વખત ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટરને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે, છતાં હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. સમસ્યા યથાવત હોવાથી નાગરિકોમાં તંત્ર સામે રોષ ઉભો થયો છે.
ગત ગુરુવારે બપોરે ત્રણેય મહોલ્લાની મહિલાઓએ છાજીયા લઈને વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ આ દૂષિત પાણી અને સતત દુર્ગંધને કારણે રોગચાળાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક નિકાલ લાવવાની તાકીદે માંગ કરી છે. ગ્રામજનોએ તંત્રને ચેતવણી આપી છે કે જો તરત વ્યવસ્થા નહીં થાય તો તેઓ આંદોલનની માર્ગે ઉતરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ