સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)- ‘‘શિક્ષક’- માત્ર એક વ્યવસાય
નહીં, પણ જવાબદારી છે. જેનો સીધો સંબંધ શિક્ષિત અને આદર્શ સમાજ અને
રાષ્ટ્ર નિર્માણ સાથે છે.’ આ જ વિચારધારા સાથે છેલ્લા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે
આગવું પ્રદાન આપી રહેલા સુરત મનપા સંચાલિત શાળાના પ્રાચાર્ય ચેતનભાઈ હિરપરાની
આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ શિક્ષક’ના સન્માન
માટે પસંદગી થઈ છે.
સમગ્ર દેશમાં તા.5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના
ઉપલક્ષ્યમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની કામગીરીને
બિરદાવવા ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ આપવામાં આવે
છે. જેમાં આ વર્ષે HTAT-મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મોટા
વરાછા-ઉત્રાણ સ્થિત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી(MKS) શાળા
નં.334ના પ્રાચાર્યશ્રી ચેતનભાઈને તા.5 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ‘શ્રેષ્ઠ
શિક્ષક’નો અવોર્ડ આપવામાં આવશે. શિક્ષક તરીકે તેમના વ્યવસાયની વિશિષ્ટતા અંગે પૂછતા ચેતનભાઈએ કહ્યું કે, “હું એવા
હીરાનો કારીગર છું, જે નિશાળમાં તૈયાર થાય છે.” વર્ષ 2005થી
શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ચેતનભાઈએ પ્રાથમિક શિક્ષણ વતન અમરેલી જિલ્લાના
છતડિયામાં અને માધ્યમિક શિક્ષણ ધારીમાં પૂર્ણ કરી ભાવનગરથી વિજ્ઞાન પ્રવાહમાં
સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી હતી.
નાનપણથી જ પિતા દ્વારા અને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલો હોવાથી સેવા અને
સંસ્કારનું ઘડતર થયું. તેથી શિક્ષક બની સમાજઘડતર અને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ
કરવાની મહેચ્છા રાખી બી.એડનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને પ્રથમ તક મળતા જ શિક્ષક
બન્યો અને નોકરીની સાથે-સાથે એમ.એનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો, પ્રા.શાળાના
આચાર્ય બનવા જરૂરી HTAT પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી. ત્યારબાદ
શિક્ષકથી આચાર્ય તરીકેની સેવા શરૂ થઇ.
‘પાકા ઘડે
કાંઠા ન ચઢે’..એમ જણાવી તેમણે કહ્યું કે મોટી ઉંમરે સમજ અને શિક્ષણ
આપવું વ્યર્થ હોવાથી મને શરૂઆતથી જ નાના ભૂલકાઓના ઘડતરમાં વધુ રૂચિ હતી. અને આ
શુભકાર્યની તક મળી વર્ષ 2017માં. જ્યારે મનપાને ન.પ્રા.શિ.સમિતિ, સુરત દ્વારા
શહેરના ઉત્રાણ વિસ્તારમાં એક નવી શાળા શરૂ કરવામાં આવી. આ શાળા એટલે, હાલ ‘મહારાજા
કેમ્પસ’ તરીકે ઓળખાતી MKS -334 પ્રા.શાળા.
વધુમાં તેમણે કહ્યું કે, એકંદરે સમૃદ્ધ વસ્તી
ધરાવતા વિસ્તારમાં સફળ સરકારી શાળાનું સંચાલન શરૂઆતમાં પડકારરૂપ હતું. નજીકના
વિસ્તારની 72 જેટલી સોસાયટીમાં જાતે જઈ પ્રચાર પ્રસાર કરી પહેલા વર્ષે માંડ ૨૫૨
બાળકોએ પ્રવેશ લીધો. પરંતુ મૂલ્યલક્ષી શિક્ષણ અને સામાજિક સમરસતાને પાયામાં રાખી
આજે ૨૫૨ થી 4200 વિદ્યાર્થીઓ સાથે રાજ્યની સુવિધાસભર આદર્શ પ્રા.શાળાઓમાં સ્થાન
મેળવ્યું છે. અહીં આર્થિક કે સામાજિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક બાળકોને
સમાન રીતે આગળ વધવાની તક આપવામાં આવે છે. વિદ્યાલયમાં સામાજિક એકરસતાના પ્રગટીકરણનું
સ્વપ્ન મેં આ શાળાનો કાર્યભાર સંભાળી પૂરું કર્યું.
દર
વર્ષે અહીં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેનો ધસારો શિક્ષક તરીકે અમારી અને આ શાળાની
સફળતા વર્ણવે છે. એક બિલ્ડીંગથી શરૂઆત કરી અનુક્રમે પ્રમુખસ્વામી મહારાજ
પ્રા.શા.-346, લતા મંગેશકર પ્રા.શા.-355 અને સુમન હાઇસ્કૂલ નં. 19 મળી
આ સંકુલમાં ચાર ઇમારતોમાં બાલવાટિકાથી લઈ ધો.12 કોમર્સ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ
કરે છે.
શાળાકક્ષાએ સમાજ નિર્માણ અને આદર્શ રાષ્ટ્રનિર્માણ માટે કાર્યરત વિદ્યારંભ
સંસ્કાર, જન્મદિનોત્સવ, વડીલોનો વડલો, માનવતાની
મહેંદી, બાલગોકુલમ જેવા કાર્યક્રમો અને સુદામા સાયકલ, માતૃ
વાત્સલ્ય યોજના, સ્વેટર સંજીવની, મહારાજા
કેમ્પસ સ્વયંસેવક, મુષ્ટિધાન, અન્નદાન સહિતની
પહેલો આ શાળાનું આકર્ષણ વધારે છે.
20 વર્ષોથી
શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ચેતનભાઈનું ઉત્કૃષ્ટ યોગદાન અનેક શિક્ષકો માટે
પ્રેરણાગાથા સમાન છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે