પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.): સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, હારીજમાં રાષ્ટ્રીય શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વિશ્વવિખ્યાત દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવી હતી. આ કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલ સિંહ આનંદના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમના આયોજન અને સંચાલન માટે NSS કૉઓર્ડિનેટર ડૉ. જીગ્નેશ પરમાર, જ્ઞાનધારાના કૉઓર્ડિનેટર ડૉ. મનોજ પ્રજાપતિ તથા ડૉ. કમલેશ પટેલે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. B.Sc. અને B.A. ના કુલ 21થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સમયપત્રક પ્રા. આંચલ યાદવે તૈયાર કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ડૉ. મનોજ પ્રજાપતિએ શિક્ષક દિનના ઐતિહાસિક અને શૈક્ષણિક મહત્વ પર અસરકારક વક્તવ્ય આપ્યું હતું. અંતે વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે મળેલ પોતાના અનુભવો અંગે ભાવનાત્મક પ્રતિસાદ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. જીગ્નેશ પરમારે કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ