મોડાસા, 4 સપ્ટેમ્બર (હિ.સ.)સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતા તેમજ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનાં ૭૬મા વન મહોત્સવની ઉજવણી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,પોશીના ખાતે કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સાબરકાંઠા જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યભરમાં ૭૬મા વન મહોત્સવની ઉજવણીમાં નાગરિકો જોડાઈને વૃક્ષો વાવી રહ્યાં છે. ત્યારે સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાનાં ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે આજે ૭૬ વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. વૃક્ષો માત્ર પર્યાવરણને શુદ્ધ રાખવામાં જ નહીં પરંતુ માનવજીવનના સંતુલન માટે પણ અત્યંત આવશ્યક છે. વધતી જતી ઉદ્યોગિકરણની અસરને ઘટાડવા અને ભવિષ્યની પેઢી માટે હરિયાળો વારસો છોડી જવા માટે વન મહોત્સવ જેવી ઉજવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણનો ઉત્સવ નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીનું પ્રતિબિંબ છે. વૃક્ષો ઓક્સિજનના મુખ્ય સ્ત્રોત છે, જમીનની ઉપજાશક્તિ જાળવી રાખે છે, વરસાદી ચક્રને સંતુલિત કરે છે તેમજ પર્યાવરણને પ્રદૂષણમુક્ત બનાવે છે. વધતા ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણમાં સર્જાતા ખતરાને પહોંચી વળવા માટે હરિયાળીનું સંવર્ધન સમયની માંગ છે.
આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે શહેરીજનોને વૃક્ષ વાવી શહેરને ગ્રીન સાબરકાંઠા, ક્લિન સાબરકાંઠા બનાવવા અપીલ કરી હતી. વન મહોત્સવ એ ફક્ત કાર્યક્રમ નથી, પણ જન આંદોલન છે. દરેક નાગરિકે પોતાના જન્મદિવસ, લગ્ન જેવા પ્રસંગોએ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ. આ સાથે તેમને ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સાંસ્કૃતિક વન વિકસાવી પર્યાવરણ સાથે વિવિધ સ્થળોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હરિયાળી ક્રાંતિનાં આ ઉત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યાં છે.કાર્યક્રમ દરમિયાન મુખ્ય વન સંરક્ષક, ગાંધીનગર (IFS) રાજ સંદિપે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. આ તકે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન કર્યું હતું.તેમજ ટ્રેડિશનલ નૃત્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમનાં અંતે મહાનુભાવશ્રીઓએ વૃક્ષારોપણ કરી વૃક્ષ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે માતૃવનનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નિમેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય, અગ્રણી લોકેશભાઈ સોલંકી સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ,અગ્રણી ઓ,પ્રિન્સિપાલ,અધિકારી ઓ, કર્મચારીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ