મહેસાણા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): ભાદરવી પૂનમના પાવન અવસર પર લાખો પદયાત્રીઓ દર વર્ષે અંબાજી માતાના દર્શન માટે પગપાળા યાત્રા કરે છે. યાત્રાળુઓની સુવિધા માટે અનેક સેવાકેમ્પો કાર્યરત થાય છે, જેમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તાર તેમજ કડીના ભક્તો સાથે મળીને રચાયેલું “જય ખોડીયાર ગ્રુપ” એક અનોખું ઉદાહરણ બની રહ્યું છે.
ગ્રુપના શૈલેષભાઈ પટેલ જણાવે છે કે વર્ષ 2005થી આ સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. નવ વર્ષ સતત સેવા આપ્યા બાદ, આ વર્ષે ફરી એકવાર સેવા શરૂ કરવામાં આવી છે. સેવા કેમ્પમાં દરરોજ બપોર અને સાંજનું પૂર્ણ ભોજન, બપોરની ચા-નાસ્તો તેમજ આરામની સુવિધા યાત્રાળુઓને આપવામાં આવે છે. લગભગ 150 જેટલા ભક્તો આ સેવા સાથે જોડાયેલા છે, જે વારાફરતી પદયાત્રીઓની સેવા કરે છે. દરરોજ બપોરે અને સાંજે આશરે 2000થી વધુ યાત્રાળુઓ પ્રસાદ ગ્રહણ કરે છે. બહેનો અને ભાઈઓ સાથે મળીને જમવાનું બનાવવું, પીરસવું અને અન્ય સેવાકાર્યમાં સક્રિય રહે છે, જેનાથી આ સેવા કાર્ય સમાજમાં શ્રમદાન અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
જય ખોડીયાર ગ્રુપના આ સેવા કેમ્પથી હજારો પદયાત્રીઓ લાભાન્વિત થાય છે અને ભક્તોને અંબાના આશીર્વાદ સાથે સેવા કરવાનો અનોખો આનંદ મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR