મહેસાણા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): ભાદરવી પૂનમના પાવન અવસર પર દર વર્ષે લાખો પદયાત્રીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ચાલીને અંબાજી માતાના દર્શન માટે નીકળે છે. પદયાત્રીઓની સુવિધા માટે માર્ગમાં અનેક સેવાકેમ્પો કાર્યરત થાય છે, જેમાં સેવા ભાવના અને ભક્તિનો અનોખો સંયોગ જોવા મળે છે.
આ જ ભાવના સાથે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના યુવકો છેલ્લા સાત વર્ષથી મહેસાણાના રંગપુર ખાતે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજી રહ્યા છે. ચારથી પાંચ દિવસ ચાલતા આ કેમ્પમાં યાત્રાળુઓને આરામ, ચા-નાસ્તો, મેડિકલ સેવા તેમજ ખાસ કરીને તરબૂચનો પ્રસાદ આપવામાં આવે છે. દર વર્ષે અંદાજે 18 થી 20 ટન તરબૂચ પદયાત્રીઓને વિતરણ થાય છે, જે યાત્રાળુઓ માટે ઠંડક અને ઉર્જાનો સ્ત્રોત બને છે.
આ સેવા કેમ્પ માત્ર ખાવા-પીવાની જ નહીં પરંતુ આરોગ્ય અને આરામની પણ કાળજી લે છે. યાત્રાળુઓ લાંબી યાત્રામાં થાકી જાય ત્યારે અહીં થોડો આરામ મેળવી શકે છે અને જરૂરી મેડિકલ સહાય પણ મેળવી શકે છે. વસ્ત્રાલના યુવકોની આ નિષ્ઠાપૂર્ણ સેવા ભક્તિ અને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે, જે દર વર્ષે હજારો યાત્રાળુઓને લાભાન્વિત કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR