સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)- સચિન પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખરવાસી ગામ થી મોહિણી ગામ તરફ જતા રોડ ઉપર સચિન પોલીસે નાકાબંધી કરી દારૂ ભરેલી એક ઇનોવા કારને ઝડપી પાડી છે. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી 2,784 નંગ દારૂની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે રૂપિયા 9.65 લાખનો દારૂ તથા કાર મળી કુલ રૂપિયા 24.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખેપીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સચિન પોલીસને બાતમી મળી હતી કે એક જીજે.06.એલકે.1110 નંબરની ઇનોવા કાર દારૂનો જથ્થો ભરી સચિનમાં ખરભાસી ગામ થી મોહેણી ગામ તરફ જતા રોડ ઉપરથી પસાર થવાની છે. જે બાતમી ના આધારે સચિન પોલીસે મોહિણી ગામના નાકે પાદર ફળિયા પાસે નાકાબંધી કરી હતી અને આ દરમિયાન બાતમીવાળી કાર રાત્રિના સમયગાળા દરમિયાન ત્યાંથી પસાર થતાં પોલીસને તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપિયા 9.65 લાખની કિંમતની 2,784 નંગ દારૂની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો લાવનાર જીગર વિજયભાઈ વાસફોડીયા (રહે બોરી ફળિયુ અંત્રોલી ગામ પલસાણા) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 9.65 લાખ નો દારૂ તથા 5000 ની કિંમત નો મોબાઇલ અને રૂપિયા 15 લાખની કાર સહિત કુલ રૂપિયા 24.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે