માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: પારિવારિક તણાવમાં જામનગરની સગીરા ગુમ થઈ
જામનગર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર સિટી ''બી'' ડિવિઝન પોલીસે ગુમ થયેલી એક સગીરાને માત્ર 18 કલાકમાં જ શોધી કાઢીને પરિવારને હેમખેમ પરત સોંપી છે. રાજકોટ, જામનગર અને અમદાવાદ સુધી ફેલાયેલી આ શોધખોળમાં પોલીસે 70થી વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી
બાળકી


જામનગર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર સિટી 'બી' ડિવિઝન પોલીસે ગુમ થયેલી એક સગીરાને માત્ર 18 કલાકમાં જ શોધી કાઢીને પરિવારને હેમખેમ પરત સોંપી છે. રાજકોટ, જામનગર અને અમદાવાદ સુધી ફેલાયેલી આ શોધખોળમાં પોલીસે 70થી વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી અને ત્રણ અલગ-અલગ ટીમો બનાવી હતી.

ગતરોજ રાત્રે એક પરિવાર દ્વારા તેમની સગીર વયની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સગીર દીકરી ટ્યુશન ક્લાસમાંથી ઘરે પરત ન ફરતાં પોલીસે ગંભીરતાથી આ કેસ લીધો અને તાત્કાલિક ત્રણ ટીમોની રચના કરી. એક ટીમને ટ્યુશન ક્લાસથી લઈને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાની જવાબદારી સોંપવામાં આવી. સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે સગીરા એક રિક્ષામાં બેસીને સાત રસ્તા બસ સ્ટેન્ડ પહોંચી હતી. ત્યાંના કેમેરા ચેક કરતાં તે રાજકોટ તરફ જતી બસમાં બેસી હોવાનું જાણવા મળ્યું.

આ માહિતી મળતા જ, એક ટીમને રાજકોટ અને બીજી ટીમને અમદાવાદ રવાના કરવામાં આવી. ત્રીજી ટીમે ટેકનિકલ સોર્સ દ્વારા સગીરાનું લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો. ટેકનિકલ તપાસમાં સગીરા અમદાવાદમાં હોવાનું જાણવા મળ્યું. આ લીડ મળતા જ અમદાવાદની ટીમને તુરંત જાણ કરવામાં આવી. ટીમે ખાનગી બસોના પિકઅપ પોઇન્ટ પર વોચ ગોઠવી, કારણ કે સગીરા દિલ્હી જવા માટે બસ પકડવાની હતી. આખરે, સતત 18 કલાકની મહેનત બાદ સગીરાને હેમખેમ શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરાએ જણાવ્યું કે, ઘરમાં માનસિક ત્રાસના કારણે કંટાળીને તે ઘરેથી ભાગી હતી. તે ક્યાં જવું તે નક્કી કરી શકી ન હતી. ટ્યુશન ક્લાસમાંથી નીકળીને તે રિક્ષા મારફતે એસટી ડેપો પહોંચી અને ત્યાંથી રાજકોટ થઈને અમદાવાદ પહોંચી હતી. અમદાવાદથી તે દિલ્હી જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તે પરિવાર સાથે ફરી જોડાઈ શકી. આ સમગ્ર ઓપરેશનમાં કુલ 15 પોલીસ કર્મચારીઓની ત્રણ ટીમોએ જામનગર, રાજકોટ અને અમદાવાદના 70થી વધુ સીસીટીવી કેમેરાની ઝીણવટભરી તપાસ કરી હતી. આ સફળતા બાદ પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande