સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા યુવકે તેના જ વિસ્તારમાં રહેતી એક વ્યક્તાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ યુવકે ત્યક્તાને તેમની સાથે ભાગીદારીમાં વેપાર ધંધો કરવાની લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા 18 લાખ પચાવી પાડ્યા હતા પરંતુ બાદમાં એક પણ રૂપિયો પરત નહીં આપી અને તેની સાથે લગ્ન નહીં કરી માત્ર શારીરિક શોષણ કર્યું હતું. જોકે બાદમાં ત્યક્તાએ લગ્ન માટે દબાણ કરતા યુવકના પિતાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર ત્યક્તાએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા પુત્ર સામે બળાત્કાર તથા પૈસા પડાવી લેવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે લિંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદ પાસે ઇન્દિરા ગાંધી સ્કૂલની બાજુમાં રહેતો સમીર સલીમ ખાટીક વર્ષ 2013માં ચિકન મટન ની દુકાન માં કામ કરતો હતો. આ સમયે લિંબાયત વિસ્તારમાં રહેતી એક પરણીતા અવારનવાર તેની દુકાન પર ચિકન લેવા આવતી હોવાને કારણે સમીર ખાટીકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને બાદમાં સમીરે તેની સાથે પ્રેમ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પરણીતાના તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. જેથી બાદમાં સમીર ખાટીકે તેને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને અવારનવાર ત્યક્તાના ઘરે જઈ તથા ડુમસમાં અલગ અલગ હોટલોમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. જોકે બાદમાં સમીરે ત્યક્તાને તેની સાથે ધંધામાં ભાગીદારી કરવા માટેની લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા 18 લાખ પચાવી પાડ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ સાથે લગ્ન નહીં કરતા તેણીએ લગ્ન કરવા માટે દબાણ કર્યો હતો. આ દરમિયાન સમીરના પિતા સલીમ પણ વચ્ચે આવ્યા હતા અને બંનેએ ભેગા મળી ત્યક્તા પર લગ્ન માટે દબાણ નહીં કરવા માટે ચોખ્ખી ના પાડી દઈ જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તારા છોકરાને છોડીશ નહીં અને તને મટન કાપવાના છરા વડે કાપી નાખીશું તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર ત્યક્તાએ આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમીર સલીમ ખાટીક અને તેના પિતા સલીમ સુપડું ખાટીક (રહે બીજો માળ ઇન્દિરા ગાંધી સ્કૂલની બાજુમાં મદીના મસ્જિદ લીંબાયત) સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ત્યક્તાને મુસ્લિમ ધર્મ સ્વીકારવા અને કલમાં પઢવા પણ દબાણ કર્યું
શારીરિક શોષણ અને આર્થિક શોષણનો ભોગ બનનાર ત્યક્તાએ પિતા પુત્ર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બંને એકબીજાની મદદગારી કરી ત્યક્તાને હિન્દુ ધર્મ છોડી દઈ મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરતા હતા. એટલું જ નહીં તેમને કલમો પઢવા માટે પણ દબાણ કરતા હતા પરંતુ ત્યક્તાએ મુસ્લિમ ધર્મ સ્વીકારવાની ના પાડતા બંનેએ ભેગા મળી તેમને ધમકીઓ આપી હતી અને છેવટે તેની સાથે લગ્ન નહીં કરી 13 વર્ષ સુધી માત્ર શારીરિક અને આર્થિક શોષણ કર્યું હતું. જેથી પોલીસે હાલ તો પિતા પુત્ર સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે