જામનગર, 4 સપ્ટેમ્બર (હિ.સ.):જામનગરના વાણીયા ગામમાં મંગળવારે (બીજી સપ્ટેમ્બર) સાંજે એક યુવાન કાર સાથે રીલ બનાવવાના ચક્કરમાં ડેમના પાણીમાં કાર સાથે ખાબક્યો હતો. ગ્રામજનોએ તેને બચાવીને બહાર કાઢી લીધો હતો. જો કે, કાર ડેમના પાણીમાં ગરકાવ થઈ હતી, જેને ક્રેઈનનવી મદદથી બહાર કાઢવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, જામનગરના વાણીયા ગામ નજીક વાગડિયા ડેમ આવેલો છે, જે ડેમ નજીક મંગળવારે સાંજે એક યુવાન પોતાની એકસયુવી કાર સાથે આવ્યો હતો અને મોબાઈલ ફોનમાં રીલ બનાવવામાં વ્યસ્ત બન્યો હતો. આ દરમિયાન એકાએક તેની કાર ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ડરના માર્યા તેણે સૌપ્રથમ બુમાબુમ કરી મૂકી હતી અને મહા મુશ્કેલીએ પોતે કારની બહાર નીકળીને ઉપર ચડી ગયો હતો.
આ ઘટના બાદ ગ્રામજનોએ એકત્ર થઈને યુવકને બહાર કાઢી લઈ બચાવી લીધો હતો. પરંતુ તેની કાર પાણીમાં ગરકાવ થઈ હતી. જો કે, બાદમાં ક્રેઈનની મદદથી કારને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરાયા હતા. આ રીતે રીલ બનાવવાની ઘેલછા એક યુવાન માટે મુસીબત સાબિત થઈ હતી, જોકે સદભાગ્યે તેનો જીવ બચ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt