મહેસાણા 5 સપ્ટેમ્બર (હિ.સ.): ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી માતાના દર્શનાર્થે મોટી સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા સફર કરે છે. યાત્રાળુઓની સલામતી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશાળ સેવા આયોજન હાથ ધરાયું છે. જિલ્લાભરના મુખ્ય માર્ગો અને યાત્રા માર્ગ પર કુલ 25 મેડિકલ કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે, જ્યારે 14 મોબાઇલ ટીમો સતત તત્પર રહી યાત્રાળુઓને તબીબી સેવા પૂરી પાડી રહી છે.
આ કેમ્પોમાં યાત્રાળુઓને તાત્કાલિક આરોગ્ય તપાસ, દવાઓ તેમજ જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. લાંબી પદયાત્રા દરમિયાન થતી થાક, ડિહાઇડ્રેશન, ઈજા કે તાવ જેવી સમસ્યાઓ માટે તબીબો અને આરોગ્યકર્મીઓ દિવસ-રાત સેવા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે 14,947 યાત્રાળુઓએ આ આરોગ્ય સેવાઓનો સીધો લાભ લીધો છે.
જિલ્લા આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે યાત્રાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખી તમામ કેમ્પોમાં પૂરતી દવાઓ અને સ્ટાફ ઉપલબ્ધ કરાયો છે. મોબાઇલ ટીમો સતત યાત્રાળુઓની સાથે રહી તેમની તકલીફોનું નિરાકરણ કરી રહી છે.
આ સેવા કાર્યથી યાત્રાળુઓમાં ભારે સંતોષનો માહોલ છે. મહેસાણા આરોગ્ય વિભાગનું આ આયોજન યાત્રાળુઓની સુરક્ષિત અને સુખાકારી યાત્રા માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR