મહેસાણા, 5 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા શહેર માટે આ વર્ષે એક ઐતિહાસિક અને પાવન ક્ષણ આવી છે. વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, 92 વર્ષની વયે અનેક શારીરિક તકલીફો વચ્ચે પણ કલ્યાણકારી વિચરણ કરી રહ્યા છે. લગભગ સાત વર્ષ બાદ તેઓ ફરી મહેસાણા પધાર્યા છે. તા. 05 થી 19 સપ્ટેમ્બર 2025 દરમિયાન તેઓ BAPS સ્વામિનારાયણ મંદિર, રાધનપુર સર્કલ ખાતે વિરાજમાન રહી હજારો હરિભક્તોને આશીર્વચન તથા દર્શનથી લાભાન્વિત કરશે.
આ અવસરને યાદગાર બનાવવા માટે 15 દિવસીય ભવ્ય આધ્યાત્મિક મહોત્સવનું આયોજન થયું છે. 05 સપ્ટેમ્બરે સ્વાગત સભાથી કાર્યક્રમોની શરૂઆત થશે. બાળકો અને યુવકો દ્વારા પાંચ તત્ત્વોના પ્રતિકરૂપે અનોખા નૃત્ય પ્રદર્શન તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ગુરુદેવનું સ્વાગત કરવામાં આવશે. 06 સપ્ટેમ્બરે મહિલા દિન, 07 સપ્ટેમ્બરે યુવા સંમેલન તથા ચંદ્રગ્રહણ વિશેષ સભા યોજાશે. ત્યારબાદ છાત્રાલય-વિદ્યામંદિર દિન, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ, સંપ દિન અને પ્રાપ્તિ દિનની ઉજવણી થનાર છે.
14 સપ્ટેમ્બરે બાળ દિનમાં 4000થી વધુ બાળકો પ્રેરણાત્મક કાર્યક્રમો રજૂ કરશે. 15 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ 20,000થી વધુ ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ઉજવાશે. 16 સપ્ટેમ્બરે અક્ષરપુરુષોત્તમ મહારાજની સુવર્ણ તુલા યોજાશે, જ્યારે 19 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ મહેસાણા પરથી વિદાય લઈ જોધપુર પધારશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR