જામનગર, 5 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના એક નિવૃત્ત બેંક કર્મચારીએ 40 વર્ષની મહેનત અને લગનથી એક અનોખો સંગ્રહ તૈયાર કર્યો છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ધ્રુવના ઘરમાં દેશ-વિદેશના 3000 થી વધુ ગણપતિનું કલેક્શન છે, જે કોઈ મ્યુઝિયમથી ઓછું નથી. તેમના આ અસાધારણ કાર્ય માટે તાજેતરમાં તેમનું મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને ભારત તિબ્બત સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
દિલીપભાઈના સંગ્રહમાં માત્ર મૂર્તિઓ જ નહીં, પરંતુ કિચન, બોલપેન, ફોટો ફ્રેમ અને વિવિધ કલાકૃતિઓ સ્વરૂપે ગણપતિ જોવા મળે છે. તેમના કલેક્શનમાં સંગીત વગાડતા, ક્રિકેટ રમતા, ડોક્ટર અને પ્રોફેસરના સ્વરૂપમાં ગણપતિની મૂર્તિઓ પણ સામેલ છે, જે દર્શકોને આશ્ચર્યચકિત કરી દે છે. આ કલેક્શન પાછળ દિલીપભાઈનો સમય, આર્થિક ભોગ અને વર્ષોની મહેનત સમાયેલી છે.
ગણેશ ઉત્સવ દરમિયાન દિલીપભાઈનું ઘર ગણેશ ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની જાય છે. જામનગર ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં લોકો આ અનોખા સંગ્રહને જોવા અને ગણપતિના દર્શન કરવા માટે આવે છે. એક ઈંચથી લઈને ત્રણ ફૂટ સુધીના વિવિધ સ્વરૂપોમાં જોવા મળતા આ ગણપતિ સૌને મંત્રમુગ્ધ કરી દે છે.
દિલીપભાઈના આ અદ્ભુત શોખ અને સંગ્રહને બિરદાવવા માટે ભારત તિબ્બત સંઘના પ્રાંત સચિવ ડિમ્પલબેન રાવલ, પૂર્ણિમાબેન, પાયલબેન, ધારાબેન, રીટાબેન, મીનાક્ષીબેન, મધુબેન, નીતાબેન, પ્રવિણાબેન, મીનાબેન, વાંસતીબેન અને જ્યોતિબેન સહિતના હોદ્દેદારોએ તેમનું વિશેષ સન્માન કર્યું હતું. આ સન્માન દિલીપભાઈના અદ્ભુત શોખ અને શહેરનું ગૌરવ વધારવા બદલ આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt