જામનગરમાં બે દાયકાથી ચાલતી પરંપરા : ગણપતિ દાદાને ધરાવાયો 17,551 લાડુનો મહાભોગ
જામનગર, 5 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળે છેલ્લા 21 વર્ષથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી છે. આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે. મંડળ દ્વારા ગણપતિ દાદાને 17,551 લાડુનો મહાભોગ ધરાવીને એક નવો વિક્
ગણપતિ


જામનગર, 5 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળે છેલ્લા 21 વર્ષથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી છે. આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે. મંડળ દ્વારા ગણપતિ દાદાને 17,551 લાડુનો મહાભોગ ધરાવીને એક નવો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે.

આ ભવ્ય ભોગ માટે કૃષ્ણનગરના 500થી વધુ સ્વયંસેવકોએ રાતભર અવિરત મહેનત કરી હતી. આયોજનકર્તાઓના જણાવ્યા અનુસાર, આ વિશાળ સંખ્યામાં લાડુ બનાવવા માટે 500 કિલો ઘઉંનો લોટ, 250 કિલો ઘી, 450 કિલો તેલ, 250 કિલો ગોળ અને 40 કિલો ડ્રાયફ્રુટ-ખસખસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાત્રિના 9.30 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ વહેલી સવાર સુધી ચાલી હતી, જેમાં 350થી વધુ ભાઈઓ અને 150થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગણપતિ દાદાને મહાભોગ ધરાવ્યા બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ ભવ્ય ભોગ આજે પ્રસાદ રૂપે શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવી રહ્યો છે. આ પ્રસંગની સૌથી પ્રશંસનીય બાબત એ છે કે, જય અંબે મિત્ર મંડળ દ્વારા માત્ર માનવભક્તિ જ નહીં, પરંતુ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

આ વર્ષે પણ ગાયો અને અન્ય અબોલ જીવો માટે ખાસ 2,000 લાડુ બનાવવામાં આવ્યા છે. સ્વયંસેવકોની એક ટીમ જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરીને આ લાડુ ગૌમાતા સહિતના અબોલ જીવોને ખવડાવશે. આ કાર્યક્રમ ધર્મ અને સેવાના અનોખા સમન્વયનો સુંદર સંદેશ આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande