મહેસાણા ,5 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું. આ અભિયાન અંતર્ગત તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વિનાની અને કાળા કાચ વાળી ગાડીઓ પર તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી. નિયમ મુજબ દરેક વાહન પર સ્પષ્ટ નંબર પ્લેટ હોવી જરૂરી છે તેમજ વાહનની વિન્ડો પર કાળા કાચનો ઉપયોગ પ્રતિબંધિત છે. પરંતુ કેટલાક વાહનચાલકો આ નિયમોની અવગણના કરતા હોવાને કારણે માર્ગ અકસ્માત તેમજ ગુનાહિત પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે છે.
જિલ્લા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવા વાહનચાલકો સામે કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. અનેક વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે અને કેટલાક વાહનોમાંથી કાળા કાચ તાત્કાલિક દૂર કરાવવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ચેતવણી પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં નિયમભંગ કરવામાં આવશે તો વધુ કડક કાર્યવાહી થશે.
આ અભિયાનનો મુખ્ય હેતુ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવો, ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવી અને સામાન્ય લોકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. મહેસાણા જિલ્લા પોલીસએ નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ પોતાની ગાડીઓમાં કાયદેસર નંબર પ્લેટનો ઉપયોગ કરે અને કાળા કાચ તરત દૂર કરે જેથી કોઈ મુશ્કેલી ન પડે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR