સુરત, 5 સપ્ટેમ્બર (હિ.સ.)-હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ મૌસમ વિભાગ દ્વારા વાતાવરણ ખરાબ રહેવાની આગાહી પણ હજુ કરવામાં આવી છે. આ દરમિયાન સુરત શહેરના અલગ અલગ દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો ફરવા માટે જતા હોય છે પરંતુ તે પૈકી સુવાલીનો દરિયાકાંઠો અત્યાર સુધીમાં સૌથી વધુ જીવલેણ સાબિત થયો છે. જેથી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સુવાલી દરિયાકાંઠાના બીચ ઉપર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સહેલાણીઓને ફરવા સાથે ગણેશ વિસર્જનના દિવસે પણ આ જગ્યા પર જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ મોસમ વિભાગ દ્વારા વાતાવરણ હજુ પણ ખરાબ રહેવાની આગાહી કરવામાં આવી હોવાથી સુરત પોલીસ કમિશનર દ્વારા તકેદારીના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારો પર લોકોને નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડતા જણાવ્યું હતું કે તારીખ 6/9/2025 ના રોજ ગણપતિ બાપાની પ્રતિમાઓનું વિસર્જન સરઘસ અને શોભાયાત્રા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળવાની છે. આ દરમિયાન પાંચ ફૂટથી વધારે મોટી મૂર્તિઓ માત્રને માત્ર સુરતના ડુમ્મસ, મગદલ્લા અને હજીરા બીચ ઉપર જ વિસર્જન કરવામાં આવશે. જોકે હજીરા વિસ્તારમાં આવેલ સુવાલી દરિયાકાંઠામાં સૌથી વધુ જીવલેણ હોવાને કારણે પોલીસ કમિશનર દ્વારા અત્યારથી જ ત્યાં જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. લોકોને સુવાલી દરિયા કાંઠે નહીં જવા તથા ગણપતિ વિસર્જનના દિવસે પણ આ દરિયામાં પાણીમાં નહીં જવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે