પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના છાયામાં આવેલી પોલીસ ચોકી પાસે જ ચાઈનીઝ ખાણીપીણીની લારી ધરાવતા યુવાન પાસે મફતમાં અવારનવાર નાસ્તો કરી જતા ઇસમે લારી ચાલુ રાખવી હોય તો દર મહિને દસ હજાર રૂપિયાની ખંડણી આપવી પડશે તેવી 20મી જુનના રોજ ધમકી આપી હતી તેની હવે પોલીસ ફરિયાદ દાખલ થાય છે.
છાયા નવાપરામાં આવેલી રામેશ્વર સોસાયટી માં રહેતા અને છાયા ની પોલીસ ચોકી પાસે ડ્રીમ ચાઈનીઝ નામની ખાણી પીણીની લારી ધરાવતા હાર્દિક સંજય કુબાવત નામના 26 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે છાયા ની પોલીસ ચોકી ની પાસે ચાઈનીઝ ખાણીપીણીની લારી રાખીને ધંધો કરે છે 20 મી જુનના રાત્રે 9:00 વાગે છાયા ના ભીમરાવ ચોકમાં રહેતો ધવલ ઉર્ફે ધવલો સવદાસ સિંગરખીયા જે અવારનવાર લારીએ નાસ્તો કરવા આવતો હતો અને રૂપિયા આપતો ન હતો તે આવ્યો હતો. અને રાબેતા મુજબ નાસ્તો કર્યા બાદ ફરિયાદી હાર્દિક કુબાવતે પૈસા માંગતા ધવલ એ પૈસા આપ્યા ન હતા અને એવું કહ્યું હતું કે આ લારી ચાલુ રાખવી હોય તો તારે દર મહિને 10,000 રૂપિયા હપ્તા પેટે મને આપવા પડશે તું મને ઓળખતો નથી મારું નામ ધવલ સિંગરખીયા છે તું પોરબંદરમાં જેને પૂછવુ હોય તેને પૂછી લેજે. જો તું મહિને 10,000 નો હપ્તો નહીં આપે તો તારી લારી બંધ કરાવી તને જીવતો રહેવા નહીં દઉં તેમ ધમકી આપીને ગાળો બોલવા લાગ્યો હતો.
આથી ફરિયાદી એ ગાળો બોલવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાઈને વધારે ગાળો બોલવા લાગ્યો હતો અને નાસ્તાના પૈસા દીધા વગર જતો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya