મહેસાણા 5 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અને મહેસાણા જિલ્લા પંચાયતની પ્રમુખ તૃષાબેન પટેલે તાજેતરમાં ફતેહપુરા-ખેરાલુ ખાતે ચાલી રહેલા ચામુંડા સેવા કેમ્પની મુલાકાત લીધી. આ સેવા કેમ્પમાં સમાજના ગરીબ અને વંચિત વર્ગ માટે આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે.
મુલાકાત દરમિયાન અધ્યક્ષ અને જિલ્લા પંચાયત પ્રમુખે કેમ્પમાં ચાલી રહેલા વિવિધ સેવાકાર્યોને નજીકથી નિહાળ્યા. કેમ્પમાં બાળકો માટે શિક્ષણની સુવિધાઓ, આરોગ્ય તપાસ કેમ્પ, વડીલો માટે તબીબી સહાય તથા મહિલાઓ માટે માર્ગદર્શન જેવા કાર્યો જોવા મળ્યા. ખાસ કરીને બાળકોના હકો અને તેમના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની તેમણે પ્રશંસા કરી.
ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું કે સમાજમાં આવા સેવા કેમ્પો દ્વારા બાળકોના અધિકારોનું રક્ષણ, તેમના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે જાગૃતિ વધે છે. તૃષાબેન પટેલે જણાવ્યું કે આ પ્રકારના સેવાકાર્યો ગામડાના લોકોને સીધો લાભ આપે છે અને સરકારની યોજનાઓને પણ વેગ આપે છે.
અંતે બંને મહાનુભાવો દ્વારા સેવા કાર્યકરોને અભિનંદન પાઠવાયા અને ભવિષ્યમાં વધુ વિસ્તૃત સ્તરે સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR