ગાંધીનગર, 5 સપ્ટેમ્બર (હિ.સ.): દેશના બીજા રાષ્ટ્રપતિ, મહાન તત્ત્વચિંતક અને શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતિ નિમિત્તે શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે આજે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે, ડૉ. રાધાકૃષ્ણન માત્ર તત્ત્વચિંતક અને વિચારક જ નહોતા, પરંતુ શિક્ષણક્ષેત્રના મહાન દીપસ્તંભ પણ હતા. રાષ્ટ્રપતિ તરીકે તેમણે દેશના સંવિધાનને કેન્દ્રસ્થાને રાખી રાષ્ટ્રને નવી દિશા આપવાનો ઐતિહાસિક કારભાર સંભાળ્યો હતો. તેમની યાદમાં પ્રતિ વર્ષ તા. ૫મી સપ્ટેમ્બરના રોજ 'શિક્ષક દિવસ' તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ મદ્રાસ પ્રાંતના તિરૂત્તાની ગામે એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. માત્ર ૧૮ વર્ષની વયે તેમણે સ્નાતક અને ૨૧ વર્ષની ઉંમરે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. વર્ષ ૧૯૦૯માં દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી અને સાથે અનેક સામયિકોમાં લેખ લખી ભારતીય દર્શનનો પ્રચાર કર્યો. તેમનું પ્રથમ પુસ્તક 'ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર' તરીકે પ્રકાશિત થયું હતું.
વર્ષ ૧૯૨૬માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં યોજાયેલી ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. સ્વતંત્ર ભારત પછી તેઓ યુનેસ્કોમાં દેશના પ્રતિનિધિ રહ્યા હતા . બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ તેમણે શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં છ વર્ષ સુધી વિઝિટિંગ પ્રોફેસર તરીકે ભારતીય વિચારધારાનો પ્રચાર કર્યો હતો. તેમના અસાધારણ યોગદાન બદલ તેમને 'ભારત રત્ન', 'ટેમ્પલટન' એવોર્ડ સહિત અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત થયા હતા.
આ પ્રસંગે વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ સી.બી. પંડ્યા સહિત અધિકારીઓ, કર્મચારીઓએ ઉપસ્થિત રહી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ