સુરત, 5 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ આનંદ નગર આવાસમાં ગેટ પાસે એકટીવા બાઈક પાર્ક કરવા બાબતે આધેડ સિકયુરીટી ગાર્ડ અને એક યુવક વચ્ચે થયેલી નજીવી બોલાચાલી જીવલેણ હુમલા સુધી પહોંચી ગઈ હતી. જેમાં યુવકે સિક્યુરિટી ગાર્ડને એલફેલ ગાળો આપી ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી દેતા તે લોહી લુહાણ થઇ ઢળી પડ્યો હતો. બનાવને પગલે ભોગ બનનાર યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે મારામારીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ નેપાળનો વતની અને સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગ ખાતે આવેલ વિશાલ નગર સોસાયટીમાં રહેતો દિલીપભાઈ ધનાભાઈ ઠાકોર વોચમેનની નોકરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. ગત તારીખ 4/9/2025 ના રોજ રાત્રે 1:00 વાગ્યાના અરસામાં કાપોદ્રા વિસ્તારમાં આવેલ આનંદ નગર આવાસના ગેટની બાજુમાં દિલીપભાઈ ઉભા હતા. આ સમયે એકટીવા બાઈક પર આવેલો રાજા નામના યુવકે ત્યાં એકટીવા પાર્કિંગ કરી હતી. જેથી દિલીપભાઈએ અહીં એકટીવા પાર્ક કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા રાજાએ તેમની સાથે ઝઘડો કરી એલફેલ ગાળો આપી હતી. જેથી દિલીપભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા રાજાએ પોતાની પાસેનું ચપ્પુ કાઢી દિલીપભાઈ ને કાન થી નીચેના ભાગે, માથામાં, પીઠમાં, તથા કમરમાં ઉપરા છાપરી ઘા મારી દીધા હતા, જેથી દિલીપભાઈ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા અને રાજા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે લોકોને દિલીપભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તો દિલીપભાઈની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે રાજા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે