સુરત, 5 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને એલ્યુમિનિયમ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને ઠગબાજો ભેટી ગયા હતા. વેપારી ને 500 ટન વેચાણથી માલ આપવાની લાલચ આપી એડવાન્સ પેટે 25,000 લીધા હતા. અને ત્યારબાદ તેમને મળવા માટે મહારાષ્ટ્ર ધુલિયા ખાતે બોલાવ્યા હતા. જ્યાંથી તેઓને 30 કિલોમીટર દૂર ગામડામાં જંગલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને અને તેના સાથી મિત્રોને બંધક બનાવી 20 થી વધુ લોકોએ ભેગા મળી તેઓને ઢીકમુક્કીનો માર મારી તેમના રોકડા રૂપિયા, મોબાઈલ, સોનાની ચેઈન સહિત કુલ રૂપિયા 4.63 લાખનો મતાનો મુદ્દામાલ બળજબરીથી કાઢી લીધો હતો. એટલું જ નહીં પરંતુ અમે અહીં નાના બાળકોના ડ્રગ્સ વેચાણ કરવા આવ્યા છે તેવા ખોટા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. જેથી ભોગ બનનાર વેપારીએ સુરત આવી કાપોદ્રા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ બોટાદ જિલ્લાના તાજપર ગામના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં ચીકુવાડી પાસે આવેલ સ્નેહ સ્મૃતિ સોસાયટીમાં રહેતા 38 વર્ષે મુકેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ એલ્યુમિનિયમના સ્ક્રેપ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એક અજાણ્યા યુવકે સોશિયલ મીડિયા ફેસબુક મા મનોજ પાટીલ ઉર્ફે આરેસ સાંકીલાલ પવાર નામનું આઈડી બનાવ્યું હતું. જેના પરથી એલ્યુમિનિયમના સ્ક્રેપ ભંગારને આપવાની જાહેરાત આપી હતી. જેથી મુકેશ પટેલે એલ્યુમિનિયમ સ્ક્રેપ ભંગારની વેચાણથી લેવાની વાત કરી હતી. આ દરમિયાન મનોજ પાટીલ ઉર્ફે ઓરેસે એડવાન્સ પેટે રોકડા રૂપિયા 25,000 લઈ લીધા હતા અને ત્યારબાદ તેમને મહારાષ્ટ્રના ધુલીયા ખાતે મળવા માટે બોલાવ્યા હતા. જેથી સુરતથી મુકેશભાઈ તેની સાથે દિશાંતભાઈ, પ્રકાશભાઈ અને પ્રિયાંકભાઈ સહિતના લોકો મહારાષ્ટ્રના ધુલીયા ખાતે ગયા હતા. જ્યાં મનોજ પાટીલ નામનો વ્યક્તિ તથા અન્ય 10 થી 12 ઈસમો તથા પીન્કેશ, ભુરીયા, કુશ, સૂર્યા, કાનેસ, ભદ્રેશ, જગદીશ સહિતના લોકોએ ભેગા મળી મુકેશભાઈ અને તેના સાથી મિત્રોને મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી 30 કિલોમીટર દૂર ગામડામાં આવેલ જંગલમાં સુઝીલોનના બંધ પડેલ કંપનીમાં બાંધકામ પાસે લઈ ગયા હતા. જ્યાં તેઓને બંધક બનાવી છરા, ગુપ્તીઓ બતાવી ધમકાવ્યા હતા અને તેઓને ગોંધી રાખી મુકેશભાઈ પાસેથી રોકડા રૂપિયા 8000, દિશાંતભાઈ પાસેથી રોકડ રૂપિયા 40,000 તથા તેમનો 1.20 લાખનો મોબાઈલ તથા પ્રકાશભાઈ પાસેથી રોકડા રૂપિયા 10,000 અને પ્રિયાંકભાઈ પાસેથી રોકડા રૂપિયા 10,000 તથા 1.50 લાખની સોનાની ચેઈન અને તેમનો રૂપિયા એક લાખનો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 4.63 લાખની મતાનો મુદ્દામાલ પચાવી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ભેગા મળી મુકેશભાઈ અને તેના સાથી મિત્રોનો અહીં આવા લોકો નાના બાળકોમાં ડ્રગ્સ વેચાણ કરવા માટે આવ્યા હોવાનો બોગસ વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે ગતરોજ મુકેશભાઈ તેના સાથી મિત્રો સાથે સુરત આવ્યા બાદ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કાપોદ્રા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે