ગીર સોમનાથ, 5 સપ્ટેમ્બર (હિ.સ.) રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં કલા મહાકુંભ : ૨૦૨૫-૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યુવા કલાના ઉત્સવ કલા મહાકુંભ ૨૦૨૫-૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કલા મહાકુંભને સંબોધન કરતાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, કલા મહાકુંભને લીધે સમાજના છેવાડે રહેલી યુવા પ્રતિભાઓ અને કલા-કસબીઓને પોતાની કલાને નિદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ મળ્યું છે.
તેમણે આ અંગે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, તેમના તાજેતરના એક પ્રવાસ દરમિયાન ગીરના નેસની મુલાકાતમાં જાનકી નામની યુવા કલાકાર દ્વારા જે દુહા અને છંદ સંભળાવવામાં આવ્યાં અને તેનો વીડિયો વાઈરલ થતાં લાખો લોકોને તેની પ્રતિભાની જાણ થઈ હતી. અને આ રીતે એક ઉભરતા કલાકારને નવું પ્લેટફોર્મ મળ્યું હતું. જે કલાની તાકાતને દર્શાવે છે.
જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા યુવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે પ્રખરતા શોધ કસોટીથી માંડીને તેમના કલા કૌશલ્યને નિખાર મળે તે માટે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ જેવા વિવિધ અભિયાનોનું આયોજન કરવામાં આવે છે. જેના કારણે લાખો વિદ્યાર્થીઓને પોતાનામાં પડેલી સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત કરવા માટેની તક મળે છે.
આ પ્લેટફોર્મના કારણે ડાંગની દોડવીર સરિતા ગાયકવાડ આજે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવા સુધીની સિદ્ધિ મેળવી શકી છે. આ ઉપરાંત, લજ્જા ગોસ્વામી, અંકિતા રૈના, ઈલાવેનિલ વાલારિવન, આર્યન નહેરા, યશ જાવીયા જેવી અનેક યુવા પ્રતિભાઓ ગુજરાતને સાંપડી છે.
કલામોહક મહાકુંભના કારણે આજે જિલ્લાના ખૂણેખૂણેથી આવેલા કલાકારોને પોતાની કલા દર્શાવવાનો અવસર મળશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જણાવીને તેમણે વિસરાતી જતી રાવણહથ્થો અને મૃદંગમ જેવી કલા પણ અહીં નિદર્શિત થવાની છે. તે જાણીને પોતાનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ વિજેતા બનેલા કલાકારો ભાગ લઈ રહ્યાં છે. આજે આયોજિત સ્પર્ધામાં લેખન, વકૃત્વ, નૃત્ય, ગરબા, ટીપ્પણી નૃત્ય, વેસ્ટમાંથી બેસ્ટ બનાવટ સહિતની કુલ ૨૩ સ્પર્ધાઓમાં અલગ અલગ વયજૂથના ૧૨૦૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો.
યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ સમગ્ર આયોજનની રૂપરેખા આપી વિદ્યાર્થીઓ અને કલાકારો પોતાનું ઉત્કૃષ્ટ પ્રદાન કરે તે માટેની શુભકામનાઓ પાઠવી હતી.
આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા, જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિહોરા, રમતવિકાસ અધિકારી કાનજી ભાલિયા, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી એન.ડી.અપારનાથી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિન સોલંકી તેમજ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો, નિર્ણાયકો, કોચ, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ