ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારશ્રીના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય કક્ષા,તાલુકા/ઝોનકક્ષા,જિલ્લા/ મહાનગરપાલિકાકક્ષા, ઝોન કક્ષા( ટીમ રમત) અને છેલ્લે રાજ્ય કક્ષા સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવનાર છે.
ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત શાળા કક્ષાએ અં-૯,અં-૧૧,અ;-૧૪ અને અં-૧૭ વય જૂથમાં ખેલ મહાકુંભની એથલેટીકસ તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. જે માટે વેબસાઈટ www.https://khelmahakumbh.gujarat.gov.in પરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન ની છેલ્લી તા.૨૨/૯/૨૦૨૫ સાંજે ૬ સુધીનો રહેશે.અં-૧૧,અં-૧૪,અં-૧૭ તથા ઓપન એઈજ (સિનિયર) ગૃપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ એ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન તથા અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ પણ પોતાના ગામની સ્કૂલ/હાઈસ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિજેતા ખેલાડીઓને તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ ઈનામ સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૭૪૬૧૫૧ પર ( સવારના ૧૦-૩૦ થી સાંજના ૬-૧૦) પર સંપર્ક કરવાનો રહેશે. એમ જિલ્લા રમત ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ