અમરેલી 5 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલું નાની વડાળ ગામ કુદરતી સૌંદર્ય, જંગલી જીવન અને સાંસ્કૃતિક પરંપરાનું અનોખું મિશ્રણ છે. દરરોજ રાત્રે ગામની આસપાસના જંગલમાંથી સંભળાતી સિંહોની ડણક અને વહેલી સવારે ગુંજતા રાષ્ટ્રીય પક્ષી મોરના ટુહકાઓ ગામને વિશિષ્ટ ઓળખ આપે છે.
3600 વિધાનાં જંગલની વચ્ચેનું ગામ
નાની વડાળ ગામ 3600 વિધાનાં વિશાળ જંગલની વચ્ચે આવેલું છે. અહીંનાં જંગલોમાં હાલ સિંહો વસવાટ કરે છે. ગામની આજુબાજુ રાત્રે જંગલમાં સિંહોની હાકલ સંભળાય છે, જ્યારે સવારે મોરના ટુહકાઓ ગામની શાંતિને કુદરતી સંગીત સાથે ગુંજાવી દે છે. કુદરતના ખોળે પક્ષીના માળા જેવડું આ ગામ ડુંગરો, જંગલ અને નદીના સૌંદર્યથી ઘેરાયેલું છે.
નાની વડાળની કુલ વસ્તી અંદાજે 2500 છે. હાલ ગામમાં આશરે 1200 લોકો રહે છે, જ્યારે બાકીનાં 1300 લોકો રોજગાર અને જીવનજરૂરિયાતોને કારણે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મુંબઈ જેવા શહેરોમાં તેમજ વિદેશમાં કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં સ્થાયી થયા છે. છતાં, તહેવારો કે પ્રસંગોએ પ્રત્યેક પરિવારનો હૃદય ગામ સાથે જોડાયેલો રહે છે.
ખેતી મુખ્ય જીવનનિર્વાહ
ગામનાં લોકોનું મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીં ઘઉં, મગફળી, જીરુ, બાજરી, ચણા, કપાસ, તલ, દિવેલી અને રજકો જેવા પાકનું ઉત્પાદન થાય છે. સાથે જ ગામમાં વિવિધ શાકભાજીની ખેતી પણ થાય છે, જે સ્થાનિક બજારમાં સપ્લાય થાય છે. ડુંગરાળ પ્રદેશ અને ઉપજાઉ જમીન હોવાને કારણે પાકની ગુણવત્તા સારી હોય છે.
સેવા અને પરંપરા
ગામના વૃદ્ધો અને આગેવાનોની સેવાઓ ગામની ઓળખનો અગત્યનો ભાગ છે. કિશોરભાઈ તેરૈયા જણાવે છે કે એક સમય એવો પણ હતો જ્યારે ગામમાં ડોક્ટર ઉપલબ્ધ ન હતા. ત્યારે ગામના વૈદ હિરજીભાઈ આસપાસના પાંચ ગામોના દર્દીઓને સેવા આપતા હતા. તેમનાં સંતાનો દ્વારા આજે ગામના મધ્યમાં વિશાળ અને દર્શનીય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર ગામની આસ્થા અને ધાર્મિક એકતાનું કેન્દ્ર છે.
ગામના ગૌરીશંકરભાઈ મહેતા કર્મકાંડ ઉપરાંત બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહિત કરી તેમની પ્રગતિ માટે કામ કરી રહ્યા છે. આ સેવાઓ ગામના સામાજિક જીવનને મજબૂત બનાવે છે.
નદી અને પ્રકૃતિ
નાની વડાળ ગામની બાજુમાં આવેલું પાદરી નદી ચોમાસામાં વહેતી રહે છે, જે ગામની સુંદરતામાં વધારો કરે છે. વરસાદી દિવસોમાં નદીના કિનારે રમતી બાળકોની ટોળકીઓ અને હરિયાળીથી ઢંકાયેલાં ડુંગરો ગામને આકર્ષક રૂપ આપે છે.
યુવા આગેવાનોની ભૂમિકા
ગામના યુવા આગેવાન કિશોરભાઈ તેરૈયા સતત ગામના વિકાસ માટે કાર્યરત છે. તેઓ ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે માર્ગદર્શન આપે છે, તેમજ ગામમાં સુવિધાઓ વધે તે માટે પ્રયત્નશીલ છે. તેમના પ્રયાસોથી નાની વડાળના યુવાનોમાં સેવા ભાવના સાથે પ્રગતિનો જાગૃત અભિગમ જોવા મળે છે.
અનોખું ગામ, અનોખી ઓળખ
નાની વડાળ ગામ કુદરત, સંસ્કૃતિ અને સેવા ભાવનાનું અનોખું સંમિશ્રણ છે. અહીં ડુંગરો, જંગલો અને નદીઓનું સૌંદર્ય છે તો બીજી તરફ પ્રકૃતિ સાથે માનવજીવનની સહઅસ્તિત્વની જીવંત ઝાંખી છે. એક બાજુ રાત્રે સિંહોની ડણક સંભળાય છે, તો બીજી બાજુ સવારે મોરના ટુહકાઓ. આ ગામ માત્ર વસવાટ માટેનું સ્થળ નથી, પરંતુ કુદરતી જીવન અને પરંપરાગત મૂલ્યોનું જીવંત પ્રતિબિંબ છે.
આ રીતે નાની વડાળ એક એવું ગામ છે જે કુદરતની સાથે માનવીય સેવા અને સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખી રહ્યું છે. ભલેને અનેક ગ્રામજનો આજે શહેરો કે વિદેશમાં સ્થાયી થયા હોય, પરંતુ ગામની મીઠી યાદો અને કુદરતી સૌંદર્ય તેમને જીવનભર જોડાયેલા રાખે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai