પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.)ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (આઈ.સી.ડી.એસ.) દ્વારા આયોજિત પોષણ ઉત્સવ 2025 અંતર્ગત ભાટસણ ગામમાં ટેક હોમ રાશન (THR) અને મિલેટ્સની વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં ગામના સરપંચ સવિતાબેન દેસાઈ, શિક્ષક નિલેશ શ્રીમાળી અને આંગણવાડી મુખ્ય સેવિકા વનીતાબેન ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું.
વિશેષ રૂપે શ્રી અન્ન (મિલેટ્સ) અને THR વિષે માહિતી આપવામાં આવી હતી. બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ માટે સંતુલિત આહાર કેટલો જરૂરી છે, તે અંગે વિસ્તૃત માહિતી આપી. નિલેશ શ્રીમાળીએ જીવનશૈલી સંબંધિત રોગોથી બચવા માટે તેલ, મીઠું અને ખાંડનો ઓછો ઉપયોગ કરવાની સલાહ આપી. કુપોષણ અટકાવવાનો સંદેશ પણ આ કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડૉ. ભૌમિકભાઈ ભરવાડ, આચાર્ય શૈલેષભાઈ સુથાર સહિત ઘણા મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો તથા ગામના આગેવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોષણપ્રતિ યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ