જામનગર, 5 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ગરીબોની વસાહતની વચ્ચે એક તબિબ કે જેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે, તેવી માહિતી એસ.ઓ.જી. શાખાને મળી હતી. તેથી ગઈકાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન શ્રીમંતા પશુપતિ વિશ્વાસ નામનો પરપ્રાંતીય શખ્સ પોતે દવાખાનું ચલાવી રહ્યો હોવાનું અને દર્દીઓની તપાસ કરતાં મળી આવ્યો હતો. એસ.ઓ.જી. ની ટુકડીએ તેની પાસેથી ડીગ્રી વગેરેની માંગણી કરતાં પોતાની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવાનું જણાવ્યું હતું.
જેથી તેની અટકાયત કરી લઈ તેના દવાખાનામાંથી રૂપિયા 4,265ની કિંમતનો દવા સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. જેની સામે મેઘપર પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એકટ 1963 ની કલમ 30 તથા બી.એન.એસ. કલમ 125 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt