પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા જિલ્લાના ખેડુતો માટે કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે લેવાના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરો પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવુ જોઈએ.
પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે અને અસર પામેલ છોડની ફરતે1% પોટેશિયમ નાઈટ્રેટ અથવા 2% યુરીયાનુંદ્રાવણ રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે. આ સુકારાના નિયંત્રણ માટે આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતનાં 12 કલાકમાં જ કરવી. જેથી છોડ ફરીથી જીવિત થઇ શકે છે.
આ માહિતી માટે મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટીનો સંદર્ભ લેવામાં આવ્યો છે અને આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા અંગે જિલ્લા ખેતીવાડી અધીકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya