વડોદરા, 5 સપ્ટેમ્બર (હિ.સ.): વડોદરા શહેરની સ્ટેલા મેરીસ સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી આનંદમય વાતાવરણમાં યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા. સવારે પ્રાર્થના સભા પછી વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફૂલ ગુલદસ્તા આપી અભિનંદન આપ્યા અને તેમને સમ્માનિત કર્યા. આ અવસર પર નાના વિદ્યાર્થીઓએ કાવ્યપાઠ, ગીત અને નૃત્ય દ્વારા પોતાના ભાવ વ્યક્ત કર્યા, જ્યારે વરિષ્ઠ વિદ્યાર્થીઓએ શિક્ષકો માટે વિશેષ નાટિકાનું પ્રદર્શન કરી સૌનું મન જીતી લીધું.
શાળાના હોલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા. વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસના મહત્ત્વ વિષે વિચાર રજૂ કર્યા અને જણાવ્યું કે શિક્ષક એ સમાજના સાચા શિલ્પકાર છે, જેઓ પોતાના જ્ઞાનથી નવી પેઢીને સંસ્કાર અને શિક્ષણ આપે છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકાને માત્ર પાઠ્યપુસ્તક પૂરતી ન ગણી પરંતુ જીવન મૂલ્યો શીખવવામાં તેમની અગત્યની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો.
કાર્યક્રમ દરમ્યાન સ્કૂલના પ્રિન્સિપાલ બહેને શિક્ષકોના ત્યાગ અને સેવાભાવ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષકોનો સમર્પિત પ્રયાસ હંમેશાં પ્રશંસનીય રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને પણ આગ્રહ કર્યો કે તેઓ શિક્ષકોના માર્ગદર્શનને જીવનમાં ઉતારીને દેશ-સમાજના સારું નાગરિક બને.
અંતમાં શિક્ષકો માટે મનોરંજક રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ શિક્ષકો માટે વિશેષ સ્મૃતિચિહ્ન ભેટ આપીને તેમને યાદગાર ક્ષણો આપી. સમગ્ર શાળા પરિસર આનંદ અને ઉત્સાહથી છલકાયું હતું. શિક્ષક દિવસની આ ઉજવણી દ્વારા સ્ટેલા મેરીસ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુરુજનો પ્રત્યેના આદર, સન્માન અને પ્રેમની સુંદર અભિવ્યક્તિ કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya