પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.)આજીવન શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી 5 મી સપ્ટેમ્બરનાં રોજ “શિક્ષકદિન” તરીકે થાય છે. જે અંતગર્ત પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક,માધ્યમિક કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને સન્માન કાર્યક્રમ પોરબંદરના બિરલા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક હર્ષાબેન હિંમતસિંહ પઢિયાર, બિલડી સીમશાળા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક લતાબેન કાનજીભાઇ જુંગીનું સન્માન કરવામાં આવ્યું હતું. અને શાળા કક્ષાએ વિશિષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો તેમજ આચાર્યઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં પ્રતિભાશાળી શિક્ષકો,બોર્ડની પરિક્ષામા 100% પરિણામ મેળવનાર શાળાઓ,પ્રતિભાશાળી શિક્ષકો વિદ્યાર્થીઓ,એરાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જ્ઞાન સેતુ, જ્ઞાન સાધનામાં મેરીટમાં આવવા બદલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને સન્માન કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી વિનોદ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન અને આભારવિધિ શિક્ષણ વિભાગના સંદીપભાઈ સોની દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા,પૂર્વ કેબિનેટ મંત્રી અને માજી ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ,જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુટી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા , શિક્ષણ સમિતિના ચેરમેન રિધ્ધિબેન સહિત અધિકારીઓ- કર્મચારીઓ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya