અમરેલી 5 સપ્ટેમ્બર (હિ.સ.): સાવરકુંડલાના ગુરુકુળ વિસ્તારના ભટ્ટ સુધીરભાઈનો સંઘર્ષજનક પ્રવાસ સાવરકુંડલા શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેતા ભટ્ટ સુધીરભાઈ માટે પોતાનું પક્કું ઘર બનાવવાનું સ્વપ્ન વર્ષોથી અધૂરું રહ્યું હતું. દિનપ્રતિદિનના સંઘર્ષમાં રોજ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતાં સુધીરભાઈ ક્યારેય વિચાર્યું નહોતું કે કાચા નળિયા વાળા મકાનમાંથી બહાર આવીને પોતાનું પક્કું ઘર બનાવવું શક્ય બનશે. પરંતુ સરકારની આવાસ યોજનાએ તેમના જીવનમાં આશાનો દીવો પ્રગટાવ્યો.
સુધીરભાઈ રોજ મહત્તમ 300 રૂપિયા સુધી કમાઈ શકે છે. આવક ઓછી હોવાને કારણે ઘર બનાવવા માટે પૂરતી બચત કરવી મુશ્કેલ હતી. મિત્રો અને ઓળખીતાઓ વારંવાર સમજાવતા કે સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આવાસ યોજના અમલમાં છે, પરંતુ શરૂમાં તેમને વિશ્વાસ નહોતો કે આ યોજના તેમના સુધી પહોંચશે. અંતે મિત્રો અને ગામના આગેવાનોના માર્ગદર્શનથી તેમણે આવાસ યોજનામાં અરજી કરી.
અરજી પ્રક્રિયામાં તમામ જરૂરી દસ્તાવેજો, જેમ કે આવકનો પુરાવો, ઓળખનો પુરાવો અને રહેવા માટેના હાલના કાચા મકાનની વિગતો રજૂ કર્યા પછી, સરકાર તરફથી 3 લાખથી વધુની સહાય રકમ મંજૂર થઈ. આ સહાય મળતા જ સુધીરભાઈ અને તેમના પરિવારના ચહેરા પર ખુશીની કિરણ ફૂટી. આજે તેઓ પોતાના મકાનનું કામ પૂરું થતું જોઈને ગર્વ અને આનંદ અનુભવે છે.
સુધીરભાઈ જણાવે છે, “હું રોજ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવું છું. મારા જેવા ગરીબ માણસ માટે પક્કું ઘર બનાવવું જીવનભરનું સ્વપ્ન હતું. સરકારની આવાસ યોજના ન હોત તો કદાચ આ સ્વપ્ન ક્યારેય પૂરું ન થઈ શકતું. મારા મિત્રો એ સાચી દિશા બતાવી અને આજે હું મારા પરિવારને સલામત છત આપી શક્યો છું.”
આવાસ યોજનાનો હેતુ શહેર અને ગામડાંઓમાં રહેતા એવા પરિવારોને આવાસ ઉપલબ્ધ કરાવવાનો છે, જેઓ પાસે પોતાનું પક્કું ઘર નથી. રાજ્ય અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આ યોજનાને આગળ ધપાવી રહી છે. સાવરકુંડલા જેવા તાલુકા-શહેરોમાં ઘણા ગરીબ પરિવારો આ યોજના વડે પોતાના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.
સ્થાનિક સ્તરે પણ અધિકારીઓ દ્વારા આ યોજનાની માહિતી લોકોને આપવામાં આવી રહી છે જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો તેનો લાભ લઈ શકે. ખાસ કરીને રિક્ષાચાલકો, મજૂરો, દૈનિક વેતનધારી મજુરો જેવા વર્ગો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ભટ્ટ સુધીરભાઈનું ઉદાહરણ માત્ર એક નથી, પરંતુ એ સંદેશ આપે છે કે યોગ્ય માર્ગદર્શન અને સરકારની યોજનાઓમાં વિશ્વાસ રાખવાથી ગરીબ પરિવારો પણ જીવનમાં મોટો બદલાવ મેળવી શકે છે. તેમના જેવા સૈંકડો પરિવારો આજે પક્કા ઘરમાં રહેવાના સપનાને સાકાર કરી રહ્યા છે.
આ રીતે, સરકારની આવાસ યોજના માત્ર ઈંટ-સિમેન્ટના ઘર પૂરતી સીમિત નથી, પરંતુ તે ગરીબ પરિવારોને સુરક્ષા, સન્માન અને ભવિષ્ય માટે વિશ્વાસ પૂરું પાડે છે. ભટ્ટ સુધીરભાઈની કહાની એ સાબિત કરે છે કે સચોટ દિશા, સકારાત્મક વિચાર અને સરકારની સહાયથી સપના ખરેખર સાકાર થઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai