જામનગર શહેર, જિલ્લામાં ગતમોડી સાંજે વાતાવરણ અચાનક પલટાયું : દોઢ ઇંચ વરસાદ ખાબક્યો
જામનગર, 5 સપ્ટેમ્બર (હિ.સ.) :જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે સપ્તાહના વિરામ બાદ હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો, અને ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ પછી ગઈકાલે રાત્રિના મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો હતો. જામનગર શહેર જોડીયા અને લાલપુરમાં ધોધમાર દોઢ ઇંચ વરસ
વાતાવરણ


જામનગર, 5 સપ્ટેમ્બર (હિ.સ.) :જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે સપ્તાહના વિરામ બાદ હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો, અને ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ પછી ગઈકાલે રાત્રિના મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો હતો. જામનગર શહેર જોડીયા અને લાલપુરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો, જેના કારણે નદી નાળામાં ફરીથી પૂર આવ્યા હતા.

ઉપરાંત કાલાવડ અને જામજોધપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. અને ધ્રોળમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગઈકાલના વરસાદથી પન્ના ડેમ છલકાવાની તૈયારીમાં છે, જેથી નીચાણવાળા વિસ્તારના ગામોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઇ છે.

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ પખવાડીયાથી વિરામ રાખ્યો હતો, અને ભાદરવાના આકરા તાપ પડી રહ્યા હતા, પરંતુ ગઈકાલે રાત્રિના 9.30 વાગ્યા બાદ એકાએક હવામાન પલટાયો હતો, અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. દોઢ કલાકના સમયગાળા દરમિયાન દોઢ ઇંચ વરસાદ પડી જતાં ચોમેર પાણી ફરી વળ્યા હતા. સાથોસાથ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી.

જામનગર શહેર ઉપરાંત જોડીયામાં પણ ગઈકાલે ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. અને લાલપુર પંથકમાં પણ દોઢ ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્યા છે. લાલપુર પંથકમાં પડેલા વરસાદના કારણે પન્ના ડેમ ઓવરફલો થઈ જવાની તૈયારીમાં છે, જેથી તેના નીચાણવાળા વિસ્તારમાં આવેલા જુદા-જુદા આઠ જેટલા ગામોને સલામત સ્થળે રહેવા માટેની તંત્ર દ્વારા મોડી રાતે માઈક દ્વારા સુચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુરમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો, અને ધ્રોલમાં વરસાદી ઝાપટાં વરસી ગયા હતા. ગઈકાલે રાત્રિના વરસાદી વાતાવરણ રહ્યા બાદ આજે વહેલી સવારથી ઉઘાડ નીકળી ગયો હતો. જોકે હજુ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે 34 મી.મી., જોડીયામાં 31 મી.મી., લાલપુરમાં 35 મી.મી., કાલાવડમાં 22 મી.મી. અને જામજોધપુરમાં 18 મી.મી., તેમજ ધ્રોલમાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યા છે, અને જુદા-જુદા અનેક વિસ્તારોમાં ગણપતિના પાંડાલો ઉભા થયા છે, જ્યાં ગઈકાલે રાત્રિના આરતી કરવાના સમયે જ અચાનક વરસાદ તૂટી પડતાં ગણપતિના પંડાલના આયોજકોમાં દોડધામ થઈ હતી.

જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી ભાદરવો ભરપૂર રહે છે, અને વરસાદ કારણે તાડપત્રી વગેરેના મંડપ સામિયાણાં બંધાયા હોવાથી અન્ય કોઈ તકલીફ થઈ ન હતી, પરંતુ અચાનક આવી પડેલા વરસાદના કારણે કેટલાક ગણેશ ભક્તોએ પાંડલની અંદર જ એકથી એક થી દોઢ કલાક સુધી ઉભા રહેવું પડ્યું હતું, તો ક્યાંક આરતી સહિતના કાર્યક્રમો વહેલા આટોપી લેવા પડ્યા હતા. ઉપરાંત જાહેરમાં ધૂન-ભજન સહિતના જાહેર કાર્યક્રમો રોકી દેવા પડ્યા હતા, અને વરસાદ થંભી ગયા બાદ મોડેથી કાર્યક્રમો શરૂ કરાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande