વડોદરા 5 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરફેર રોકવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીને બાતમી મળી હતી કે, પાલેજ ગામનો રહેવાસી મુબારક ફારૂક લાંગીયા તથા તેનો સાથી સિરાજ નામનો વ્યક્તિ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે કરજણ ખાતે આવેલા શ્રીરંગ રેસીડેન્સી રાજપુત સમાજવાડી પાસે આવેલા મયુરસિંહ ભુપતસિંહ ગોહિલના રહેણાંક મકાન પર ડ્રગ્સ વેચવા આવવાના છે. આ ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર રેડ કરી આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
કારરવાઈ દરમિયાન ચાર ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપી ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરાયેલો નશાકારક પદાર્થ બજાર કિંમત મુજબ લાખો રૂપિયાનો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
વડોદરા ગ્રામ્ય એસઓજીની આ સફળ કામગીરીથી નશીલા પદાર્થોના જથ્થા સાથે સંકળાયેલા તસ્કરોને મોટો ઝટકો પહોંચ્યો છે. પોલીસે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે જેથી અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચી શકાય. ગ્રામ્ય વિસ્તારોમાં વધતા નશીલા પદાર્થોના પ્રવાહને રોકવા એસઓજી સતત સતર્ક છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી વધુ કડકાઈથી હાથ ધરાશે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે નશાકારક પદાર્થોના ધંધામાં સંડોવાયેલા લોકો સામે કાયદો કોઈપણ સમયે કડક પગલાં લઈ શકે છે. વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમની સતર્કતા અને સમયસર કરેલી કાર્યવાહીથી સમાજમાં એક સકારાત્મક સંદેશો પહોંચ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya