પાટણ, 6 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં તળ ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના 45 પરિવારો દ્વારા ભાદરવા સુદ ચૌદસથી ભવાઈ વેશનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જાળેશ્વર દાદાના આભૂષણો મામલતદાર કચેરીમાંથી મહારાજ હરેશભાઈ આચાર્યના નિવાસસ્થાને લાવવામાં આવ્યા બાદ વિશેષ પૂજાવિધિ યોજાઈ હતી. ત્યારબાદ શણગારેલા ટ્રેકટરમાં આભૂષણોનું પટારો જૂનાગંજ ચોક સુધી લઈ જવામાં આવ્યું હતું, જ્યાં યુવાનો દ્વારા તલવારબાજી અને ભવાઈ વેશની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
શોભાયાત્રા જૂનાગંજ બજાર, બગવાડા દરવાજા ને રાજમહેલ રોડ થઈને પાલડી ખાતે સ્થિત જાળેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી હતી. ચૌદસની રાત્રે જાળેશ્વર દાદાના સાનિધ્યમાં મંગલદીપ પ્રગટાવી ભવાઈનો આરંભ કરવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે અગાઉ આભૂષણો બળદગાડામાં લઈ જવાતા, જેને હવે સમયાનુકૂળ રીતે ટ્રેક્ટર દ્વારા પરિવહન કરવામાં આવે છે. તળ ઔદિચ્ય બ્રાહ્મણો માટે આ પરંપરા અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને ઉચ્ચ હોદ્દાધારી વ્યક્તિઓ પણ આ ભવાઈમાં સહભાગી બનવા આવે છે.
આ તીર્થના મહાત્મ્ય અનુસાર અનંત ચતુર્દશીની રાત્રે અખંડ જાગરણ કરનારની મનોકામનાઓ પૂર્ણ થવાની માન્યતા છે. છેલ્લા 300 વર્ષથી આ ભવાઈ ઉત્સવ આ માન્યતાને આધારે ઉજવાય છે. ભગવાન શિવજીને પ્રસન્ન કરવા અને ભક્તિભાવપૂર્વક તેમની સમક્ષ ભવાઈ રજૂ કરવી એ આ ઉત્સવનું મુખ્ય હેતુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ