ગાંધીનગર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગરના કુડાસણની સ્કુલ ઓફ એચિવર ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં ગાંધીનગર જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ ૧૧ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સમારોહમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧૦૦% પરિણામ લાવનાર ૧૫૨ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ તથા વિશેષ પ્રતિભા ધરાવતા ૯ વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લાની ૩ શ્રેષ્ઠ શાળાઓના આચાર્યશ્રીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવતા અધ્યક્ષા તથા જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનકાળને યાદ કરી શિક્ષકોને બાળકોના તથા રાષ્ટ્રના ભવિષ્ય નિર્માતા તરીકે નવાજ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે નવી નીતિ સાથે શિક્ષણ ક્ષેત્રે નવા આયામો સર કર્યા છે જેથી આ વર્ષનો શિક્ષક દિન વિશેષ છે.
ભારતીય પરંપરામાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તુલ્ય ગણવામાં આવ્યા છે. બાળકના જીવનમાં માતા-પિતા સાથે શાળા અને શિક્ષકનું અનેરૂં મહત્વ રહેલું છે. શિક્ષક થકી નેતા, અભિનેતા કે કોઈ પણ વ્યવસાયના વ્યક્તિનો આદર્શ નાગરિક તરીકેનું ઘડતર થાય છે. આ સાથે તેમણે રાજ્ય સરકારના નીટ પોર્ટલ, જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ જેવી સુવિધાઓ પણ હવે છેવાડાના ગામડા સુધી પહોંચી છે તેમ જણાવી ઉમેર્યુ હતું કે નમો લક્ષ્મી યોજના દ્વારા આ વર્ષે રાજ્યની દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. નમો સરસ્વતી તેમજ જ્ઞાન સાધના જેવી યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને ૭૨૪ કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ સીધી તેમના ખાતામાં પહોંચાડવામાં આવી છે. છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. પ્રજ્ઞા, નવતર અભિગમ, સ્માર્ટ ક્લાસ અને વિવિધ યોજનાઓ થકી છેવાડાના વિસ્તારમાં રહેતા બાળક સુધી પણ તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનભાઈ પ્રજાપતિએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે, દર વર્ષે શાળાઓમાં વધુમાં વધુ ગુણવતાલક્ષી શિક્ષણ મળે તે માટે અથાગ પ્રયાસના પરિણામો આજે ૧૫૨ જેટલી શાળાઓનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ૧૦૦ % પરિણામ આવ્યું છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારની ૨ અને શહેરી વિસ્તારની ૧ શ્રેષ્ઠ શાળાના આચાર્યને પણ અહીં પુરસ્કૃત કરીને તેમના પ્રયાસોને સરાહવામાં આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ ગાંધીનગર જિલ્લો વધુને વધુ સફળતાના સોપાનો પાર કરશે તેવી અભ્યર્થના પણ તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હંસાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, અગ્રણી અનિલભાઈ પટેલ, આશિષભાઈ દવે, શિક્ષણ સમિતિના ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ વિવિધ પદાધિકારીઓ અને તમામ માન્ય સંઘોના હોદ્દેદારો, બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ