પાટણ, 6 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી બફારો અને ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. શનિવારે બપોરે અચાનક વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું. આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા અને તીવ્ર પવન સાથે મેઘરાજાએ શહેરમાં ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. લોકો માટે આ એક રાહતદાયક ક્ષણ બની રહી હતી.
વરસાદને કારણે શહેરના રેલવે ગરનાળા, પારેવા સર્કલ, બીએમ હાઈસ્કૂલ અને બુકડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતા. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નાળાઓ ઓવેરફ્લો થતા શહેરની ટ્રાફિક વ્યવસ્થા પણ અસરગ્રસ્ત બની હતી.
સોમવારે બપોરે ફરી એકવાર મેઘરાજાએ ધમાકો કર્યો હતો. ભારે વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું અને લોકોને ઉકળાટથી મુક્તિ મળી હતી. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌએ વરસાદનો આનંદ માણ્યો હતો. ખેડૂતો માટે પણ આ વરસાદ આશાસ્પદ સાબિત થયો હતો અને તેમના ચહેરા પર ખુશી છવાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ