ગીર સોમનાથ 6 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે કોલેજના એન.એસ.એસ. યુનિટ તથા જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના સંયુક્ત ઉપક્રમે નશામુક્તિ અને તમાકુ મુક્તિ અંગે ખાસ જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા કોલેજનું મૂલ્યાંકન કરી કોલેજને ‘તમાકુ મુક્ત સંસ્થા’ જાહેર કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામના સોશિયલ વર્કર દીપ્તિ વ્યાસે તમાકુના કારણે થતા શારીરિક નુકસાન તથા તમાકુ વિરોધી કાયદા અંગે વિગતવાર સમજણ આપી હતી.
કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ‘તમાકુને કહો ના, જિંદગીને કહો હા’, ‘દારૂ એટલે દૈત્ય’ વગેરે જેવા નશા વિરોધી સૂત્રોચ્ચારો સાથે ‘નશામુક્ત યુવાધન’ના નિર્માણ અંગે જાગૃતિ રેલી યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નશામુક્ત ભારત નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, એપિડેમિક મેડિકલ ઓફિસર તેમજ કોલેજના આચાર્ય ડૉ. સ્મિતા બી. છગના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. સચિન એમ. સીતાપરા તથા શ્રી જે.બી. ઝાલા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાની માર્ગદર્શિકા મુજબ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના સોશિયલ વર્કર દ્વારા કોલેજનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકનના આધારે ગીર સોમનાથ આરોગ્ય વિભાગે સરકારી વિજ્ઞાન કોલેજને તમાકુ મુક્ત સંસ્થા જાહેર કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ