ગીર સોમનાથ 6 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” આપીને સન્માન કરવામાં આવે છે. આ વર્ષે રાજ્યના કુલ ૩૦ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં અનેક શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે સર્વ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહેલા બે શિક્ષકોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” એવોર્ડ એનાયત કરી રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન કરાયું હતું.
વેરાવળ તાલુકાના મોડેલ સ્કૂલ ઈણાજના આચાર્ય અલ્પાબહેન ગોરધનભાઈ તારપરા અને કોડીનારના વેલણ પે સેન્ટર શાળાના જયાબહેન જયસિંહભાઈ ગોહિલને અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો.
આ બન્ને શિક્ષકોની શૈક્ષણિક સફર પર નજર કરીએ તો અલ્પાબહેન તારપરાએ ધ્રોલ ખાતે વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૨ સુધીની શિક્ષણ યાત્રામાં ધો. ૮ થી ૧૦ ની શાળામાં ધોરણ.૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહ શરૂ કરાવ્યું.
સતત શીખતા રહેવું અને વિદ્યાર્થી તથા સહકર્મચારીને પણ શીખતાં રહેવા પ્રેરિત કરવા એવો અલ્પાબહેનનો ધ્યેય રહ્યો છે. જી.પી.એસ.સી. આયોજિત શિક્ષણ સેવા વર્ગ- રની પરીક્ષા પાસ કરી વર્ષ ૨૦૧૪માં પુનઃ ભરતીમાં જૂનાગઢ જિલ્લાની પે. સેન્ટર કન્યા શાળા બીલખામાં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા અને આ શાળાની એક દિવ્યાંગ દીકરીને રાજ્ય કક્ષાએ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી જેણે રાજ્ય કક્ષાએ વિજેતા બની પુરસ્કાર મેળવ્યો.
તા.૦૮ ઓગસ્ટ ૨૦૧૯ થી વેરાવળ તાલુકાની મોડેલ સ્કૂલ - ઇણાજ ખાતે આચાર્ય (વર્ગ-૨) તરીકે અલ્પાબહેન ફરજ બજાવી રહ્યાં છે. સરકારી માધ્યમિક શાળા રાજ્યની શ્રેષ્ઠ શાળા પણ બની શકે તે શ્રી મોડેલ સ્કૂલ ઇણાજ દ્વારા પ્રસ્થાપિત થયું. વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યની શ્રેષ્ઠ શાળા તરીકે દ્વિતીય ક્રમ મેળવ્યો. શાળાના બોર્ડના ઉત્કૃષ્ટ પરિણામ સાથે રમતગમતમાં નેશનલ સ્કૂલ ગેમ્સમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ, કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ લોકવાર્તામાં પ્રથમ, કલા ઉત્સવમાં ગાયન સ્પર્ધામાં રાજયકક્ષા સુધીની સફર તેમજ વર્ષ : ૨૦૨૩-૨૪માં પહેલા તબક્કાની સૌરાષ્ટ્રની એકમાત્ર માધ્યમિક પીએમ શાળામાં મોડેલ સ્કૂલ-ઇણાજ પસંદગી પામી હતી.
જ્યારે કોડીનારના વેલણ પે સેન્ટર શાળાના જયાબહેન ગોહિલની શિક્ષણયાત્રાની શરૂઆત તા.૦૫ નવેમ્બર ૧૯૯૮થી કોડીનાર તાલુકાના પીપળી ગામથી થઈ હતી.
ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને અધવચ્ચે અભ્યાસ છોડાવી ખેતી કામમાં લગાડી દેવામાં આવતી, આ સ્થિતિ જોઈ તેમણે વાલીઓનો સંપર્ક કર્યો અને શેરી સભા દ્વારા દીકરીઓને ભણાવવા વાલીઓને સમજાવ્યા. શાળા સમય દરમિયાન તથા શાળા સમય બાદ દીકરીઓને ફ્રી ટ્યુશન આપી અભ્યાસ પ્રત્યે અભિરુચિ જગાડવાનું કામ કર્યું અને સાથે જવાહર નવોદય વિધાલય પ્રવેશ પરીક્ષાની પણ બાળકોને તૈયારી કરાવી રહ્યાં છે.
વેકેશન દરમિયાન વોકેશનલ ટ્રેનિંગ દ્વારા દીકરીઓને સીવણ, મેંદી અને પાર્લરનો કોર્ષ કરાવ્યો. છેલ્લા ૧૩ વર્ષથી જયાબહેન બાળકોને શાળા સમય બાદ નિઃશુલ્ક ટ્યૂશન કરાવી રહ્યા છે.
જયાબહેન વર્ષ ૨૦૧૧માં તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ૨૦૧૮માં શ્રેષ્ઠ જિલ્લા શિક્ષક પારિતોષિક અને ૨૦૨૩માં ચિત્રકૂટ એવોર્ડ મેળવી ચૂક્યા છે.
શ્રી અલ્પાબહેન તારપરા અને જયાબહેન ગોહિલે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવા બદલ સરકાર તથા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોતાના અથાગ પરિશ્રમ અને ખંત થકી અલ્પાબહેન અને જયાબહેન જેવા અનેક આદર્શ શિક્ષકો ગીર સોમનાથ જિલ્લાનું શિક્ષણ ક્ષેત્ર વધુ ને વધુ ઉજ્જવળ બનાવવા પ્રયત્નશીલ છે.
આમ, વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડનાર બન્ને શિક્ષકોની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લા માટે ગૌરવવંતી ક્ષણ બની
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ